પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લા પોલીસના એસપી વી.કે. નાયી સાહેબના સૂચનાથી શહેરમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પાટણ LCB દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. શંખેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બિલીયા ગામ પાસે એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી કન્ટેનર ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે.
LCB PI આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કન્ટેનરમાં તપાસ કરવામાં આવી. ગાડીમાંથી કુલ 17,592 નંગ વિદેશી દારૂની બોટલ અને ટીન મળી આવ્યા છે, જેની અંદાજીત કિંમત ₹66,27,600/- થાય છે.દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી કન્ટેનર ગાડીની કિંમત અંદાજે ₹20,00,000/- છે. આમ, પોલીસે કુલ ₹86,27,600/- ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ અંગે શંખેશ્વર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસમાં કન્ટેનર ચલાવતો ડ્રાઈવર, દારૂ ભરાવનાર તથા મંગાવનાર ત્રણેય શખ્સો હાલ અજાણ્યા અને ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓના માહિતી મેળવવા માટે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ