પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) પાટણ SOG પોલીસે અબલુવા ગામમાંથી એક નકલી ડૉક્ટર હુસૈનઅહમદ યુસુફભાઈ મસી (મુસ્લિમ)ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવા છતાં, તે લોકોને એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શનો આપી ગેરકાયદેસર રીતે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો.
આ આરોપી અબલુવા ગામના બસ સ્ટેશન નજીક એક દુકાનમાં ડૉક્ટર તરીકે બેઠો હતો અને બીમાર દર્દીઓને સારવાર આપતો હતો. તે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરીને ખોટી સારવાર આપી રહ્યો હતો. SOG પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડા દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે તેની પાસેથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ ₹8278.93નો મેડિકલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી હાલમાં પાટણના રવિયાણા ગામે રહે છે જ્યારે મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગામનો વતની છે.
પાટણ SOGએ આ કાર્યવાહી કરીને કાયદેસરના પગલાં હાથ ધરી છે. મેડિકલ ડિગ્રી વગર લોકોના જીવ સાથે ચેડાં કરતા તત્વો સામે કડક પગલાં લેવા માટે આ કાર્યવાહી ઉદાહરણરૂપ બની છે. હાલ વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ