પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પુ.મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે નશાબંધી સપ્તાહ-2025 ની ઉજવણીના ઉદઘાટન સમારોહનું કોમ્યુનિટી હોલ પોલીસ હેડકવાર્ટર, ફુવારા પાસે પાયોનિયર તથા સાગરપુત્ર સમન્વય સંસ્થા, કામદાર કલ્યાણ કેન્દ્ર તેમજ લાયન્સ ક્લબ ઓફ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મહિલા સંમેલન તેમજ વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ તેમજ નશાબંધી સાહિત્ય વિતરણ તેમજ પ્રદર્શન અને ઇનામ વિતરણના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ,કાર્યક્રમની શરૂઆત નશાબંધી અધિક્ષક પી.આર ગોહિલ દ્વારા આમંત્રિત મહેમાનોનુ શબ્દોથી તેમજ સુતરની આટી પહેરાવી સ્વાગત કરી નશાબંધી સપ્તાહ 2025 ના કાર્યક્રમની રૂપરેખા આપી અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી તેમજ બહેનો દ્વારા પ્રાચીન તલવાર રાસથી સાંસ્કૃતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.ત્યારબાદ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ પુજ્ય મહાત્મા ગાંધીજીને યાદ કરી જેમ બાપુએ આઝાદી સમયે સમાજને દારૂણ પરિસ્થીતિમાંથી બહાર કાઢવા માટે નશાબંધીનું આહવાન કરેલ તે જણાવ્યું અને ગુજરાત રાજ્યએ નશાબંધી થકી પ્રગતિશીલ ગુજરાત બનવામાં ફાળો આપ્યો છે. વધુમાં મહિલાઓ કેવી રીતે વ્યશનમુક્તિમાં ફાળો આપી શકે તે બાબતે સવિસ્તૃત માહીતી આપી. નશાબંધી થી નવજીવન વિશે સવિસ્તૃત માહીતી આપી. વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રની પ્રગતિમાં નશાબંધી અનિર્વાય છે અને હું કોઇ પણ નશાનો વિરોધી છે.દુનિયાનો કોઇ પણ કાયદો વ્યસન છોડાવી શકતો નથી પરંતુ સ્વપ્રયત્નથી પોતાનું મન મક્કમ રાખી જો વ્યશનથી દુર રહે તો જ શક્ય છે.
નશાબંધી ખાતા દ્વારા આયોજીત નશાબંધી સપ્તાહના તમામ કાર્યક્રમોની શુભકામના આપી અને નશાબંધી ખાતાના આ એક પ્રયત્ન બિરદાવ્યો. ત્યારબાદ જીલ્લા કલેક્ટર પોતાના પ્રાસંગિક પ્રવચન નિમિતે જણાવેલ કે કોઇ પણ રાષ્ટ્રનું ભવિષ્ય તેના યુવાધનમાં રહેલું છે અને સ્વસ્થ અને સક્ષમ યુવાધન જ દેશને ઉન્નતિના શિખરે પહોંચાડી શકે છે.પરંતુ આજે, નશાનું દૂષણ સમાજના યુવાનોને અંદરથી ખોખલુ કરી રહ્યું છે. જેથી નશાબંધી ખાતાનું મહત્વ સમજાવતા જણાવેલ કે રાજ્ય અને દેશની પ્રગતિ નશાબંધી થકી જ છે, અને યુવા પેઢીને વ્યશનથી દુર કરવા માટે નશાબંધી ખાતાના આ પ્રયત્નો આવકાર્ય છે. નશાબંધીની નીતિ ગુજરાત રાજ્યની સામાજિક અને નૈતિક પરંપરાનું પ્રતિબિંબ છે. ત્યારબાદ જાણીતા લોક સાહિત્યકાર શક્તિદાન ગઢવીએ સાહિત્યની ભાષામાં મનોરંજન સાથે અને કવિતા દ્વારા વ્યસનથી દુર રહેવા સલાહ આપી અને જણાવ્યુ કે ઇતિહાસ સાક્ષી છે કે વ્યસન એ બરબાદીનો રસ્તો છે.ત્યારબાદ નશાબંધી અધિક્ષક પી.આર ગોહિલે નશામુક્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો.ત્યારબાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરીક સંરક્ષણ અવેરનેશ તાલીમ ડે.હોમગાર્ડ કમાન્ડર ત્રિલોક ઠાકર દ્વારા આપવામાં આવી ત્યારબાદ કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ મહિલાઓને પ્રોત્સાહક ઇનામની લાણી પાયોનીયર તથા સાગર સમન્વય સંસ્થા તેમજ લાયન્સ ક્લબ ઓફ પોરબંદર દ્રારા કરવામાં આવી.અંતે કામદાર કલ્યાણ કેન્દ્રના સંચાલિકા સંતોકબેન વિઝુડાએ આભાર વીધી રજુ કરી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya