જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.): જામનગર નજીક ઘુતારપર ગામના પાટીયા પાસે ગઈકાલે દશેરાના પર્વના મોડી સાંજે બે બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને વાહનના ચાલકોના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જયારે એક બાળકીને ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ કાબાભાઈ દોમડીયા (52) ગઈકાલે પોતાનું બાઈક લઈને પીઠડીયા ગામથી બજરંગપુર ગામ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ખારાવેઢા ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા અન્ય એક બાઇક સાથે ટકરાઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક બાઈકના ચાલક રમેશભાઈ કાબાભાઇ દોમડીયાને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનો ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત સામેથી આવી રહેલા બાઈકના ચાલક બિશનસિંગ શંકરભાઈ અજનાર કે જેને પણ ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સ્થળ પર કરુણ મૃત્યુ નીપજયું હતું, જ્યારે તેની સાથે બાઈકમાં બેઠેલી ચાર વર્ષની અન્ય એક બાળકી ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગઈ હોવાથી તેણીને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અકસ્માતના બનાવ અંગે એક બાઈકના ચાલકના ભાઈ બજરંગપુરના ભરતભાઈ કાબાભાઈ દોમડીયાએ પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં અન્ય બાઇકના ચાલક બીશનસિંઘ અજનાર સામે અકસ્માત સર્જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt