ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત આજ રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે મેગા આરોગ્ય કેમ્પ, આરોગ્ય પ્રદર્શન અને હેલ્થ અવેરનેસ સેશનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન અને અદાણી હેલ્થ કેરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાળના હસ્તે રિબિન કાપીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ મેગા આરોગ્ય કેમ્પમાં આંખના રોગ ના ૮૮ દર્દી,કાન-નાક-ગળાના રોગ ના ૧૦૧ દર્દી,સ્ત્રી રોગ ના ૧૦૪ દર્દી,બિનચેપી રોગ ના ૯૯ દર્દી, કિશોરીઓ (અવેરનેસ સેશન) ના ૧૦૫ અને અન્ય વિભાગો ના ૧૩૯ દર્દી મળી કુલ ૬૩૬ દર્દીઓએ વિવિધ રોગોની તપાસ અને સારવારનો લાભ લીધો હતો, જેમાં કિશોરીઓનો મોટો ફાળો રહ્યો હતો. કેમ્પમાં અદાણી હેલ્થકેરના જનરલ સર્જન, સ્ત્રી રોગ નિષ્ણાત, દાંતના સર્જન અને ઈ.એન.ટી. નિષ્ણાત દ્વારા દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવારની સેવા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, પીએમ જય કાર્ડ માટેની નોંધણીનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આર.સી.એચ.ઓ. અધિકારી ડૉ. અરુણ રોય, અંબુજા સિમેન્ટ પ્લાન્ટ હેડ ઉમાશંકર ચૌધરી, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના જનરલ મેનેજર દલસુખભાઈ વઘાસિયા, એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યેશ ગોસ્વામી, અદાણી હોસ્પિટલના યુનિટ હેડ ડૉ. રવિ હિંગરાજીયા, અને આયુર્વેદ મેડિકલ ઓફિસર ડૉ. વિજય ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. ભગીરથ ડોડીયા, ડૉ. સંજય ગોહિલ, દિલીપભાઈ બારડ, ધર્મેન્દ્રભાઈ પરમાર તેમજ સમગ્ર આરોગ્ય ટીમ કોડીનારના અધિકારીઓ, કર્મચારીઓ અને આશા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ 'સ્વસ્થ નારી સશકત પરિવાર'ની થીમને સાચા અર્થમાં સાર્થક કરતો સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ