
પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરના નાગરિકોને પીવાના પાણીની તંગીમાંથી કાયમી રાહત આપવા અને ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવાના હેતુથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા નિમાયેલ એજન્સીએ પાટણ નગરપાલિકાની મુલાકાત લીધી હતી. આ એજન્સી હાલમાં પાટણ શહેર માટેના મહત્વપૂર્ણ ‘એક્વીફર મેપિંગ’ પ્રોજેક્ટ પર કાર્યરત છે, જેના દ્વારા ભૂગર્ભ જળના સ્તર અને તેની ગુણવત્તાનો અભ્યાસ કરવામાં આવશે.
ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે આ પ્રોજેક્ટ શહેર માટે અત્યંત જરૂરી છે, કારણ કે તેની મદદથી જળસ્તર ઊંચું લાવવા સરકારના પ્રયત્નોને વેગ મળશે અને ભવિષ્યમાં નાગરિકોને પાણીની તકલીફ ન રહે. ટીમ સમગ્ર શહેરમાં નગરપાલિકાના બોર તેમજ સંભવિત સ્થળોએથી પાણીના સેમ્પલ્સ એકત્રિત કરશે અને ભૂગર્ભ જળની ગુણવત્તાની સઘન ચકાસણી કરશે.
વિદેશથી આયાત કરાયેલી અદ્યતન મશીનરીની મદદથી ભૂગર્ભ જળ ક્યાં ઉતારવું, જળસ્તર કેવી રીતે વધારવું અને પાણીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેના આયોજન અને સૂચનો નગરપાલિકાને આપવામાં આવશે. ઉપરાંત, વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટેના ટેકનિકલ સ્પેસિફિકેશન પર પણ ટીમ કાર્ય કરશે.
હિરલ ઠાકરે જણાવ્યું કે આ પ્રોજેક્ટ પર છેલ્લા એક વર્ષથી કામ ચાલી રહ્યું છે અને હવે તે પૂર્ણતાના આરે છે. અંતિમ તબક્કામાં નગરપાલિકાના બોર અને સંભવિત જગ્યાઓ પર સર્વે હાથ ધરાશે, જેના આધારે સંપૂર્ણ DPR (Detailed Project Report) તૈયાર કરી રાજ્ય સરકારને રજૂ કરવામાં આવશે. હાલ ખાન સરોવરના પાણીના સ્ત્રોત બંધ હોવાથી પાણી પુરવઠામાં મુશ્કેલી સર્જાઈ છે, તેથી આ પ્રોજેક્ટ શહેરના પાણી પુરવઠાને સ્થિર રાખવામાં મદદરૂપ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ