



ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત, 'નીસડન મંદિર' તરીકે લોકપ્રિય અને વિશ્વવિખ્યાત એવા લંડન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરની દર્શનયાત્રાએ 1995 થી લઈને આજ પર્યંત છેલ્લાં ત્રીસ વર્ષમાં દેશ-વિદેશના કરોડો લોકો પધારી ચૂક્યા છે, જેમાં સામાન્ય નાગરિકોથી લઈને અનેક પ્રતિષ્ઠિત – મહાનુભાવોનો પણ સમાવેશ થતો રહ્યો છે. આ મંદિરની દિવ્ય આભા પ્રત્યેક દર્શનાર્થીના હૈયે અમિટ છાપ પ્રસરાવતી રહે છે. બ્રિટનના રાજવી કિંગ ચાર્લ્સ ત્રીજા અને તેઓના પત્ની ક્વીન કેમિલા નીસડન મંદિરની મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલાં ઉત્સવમય વાતાવરણમાં તેમજ મંદિરની પૂર્ણતાના ૩૦ વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે લંડનના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન જીતુભાઈ પટેલે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ તરીકેની અગાઉની મુલાકાતો બાદ, રાજા અને રાણી તરીકે આ તેમની મંદિરની પ્રથમ મુલાકાત હતી. બ્રિટનના રાજવી પરિવારની મંદિર સાથેની આવી અનેક પૂર્વ મુલાકાતો તેઓના બી.એ.પી.એસ. હિન્દુ સમુદાય સાથેના તેઓના લાંબા સમયથી ચાલી આવતાં ઉષ્માભર્યા સંબંધોને દર્શાવે છે.
૧૯૯૫માં તેના ઉદ્ઘાટન બાદ, નીસડન મંદિર આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાન બની ગયું છે. શ્રદ્ધા, સેવા અને ભારતીય સંસ્કૃતિના અજોડ પ્રતીક સમું, વિશ્વભરના લાખો મુલાકાતીઓ અને ભક્તોનું સ્વાગત કરતું આ મંદિર - બાળ અને યુવા વિકાસ, વરિષ્ઠ નાગરિકોની સંભાળ, આરોગ્ય અને માનવતાવાદી રાહત - જેવા અનેક સેવાકાર્યો દ્વારા બ્રિટિશ સમાજમાં સતત વિશિષ્ટ યોગદાન આપી રહ્યું છે. તેમની મુલાકાત દરમિયાન, રાજવી દંપતીએ મંદિરના સ્વયંસેવકો અને ભક્તસમુદાય સાથે મંદિરના સેવાકીય કાર્યો વિશે માહિતી મેળવી હતી. આમાં ધ ફેલિક્સ પ્રોજેક્ટ સાથેની લાંબા ગાળાની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે – આ લંડન સ્થિત ચેરિટિ સંસ્થા અસહાય લોકોની ભૂખ દૂર કરવા માટે વધારાના ખોરાકનું પુનર્વિતરણ કરે છે, જે રાજવી શ્રી કિંગ ચાર્લ્સના કોરોનેશન ફૂડ પ્રોજેક્ટનો પણ એક ભાગ છે.
મુલાકાત દરમિયાન, રાજવી દંપતીએ પેરિસમાં આગામી સપ્ટેમ્બર, ૨૦૨૬માં ઉદઘાટિત થવા જઈ રહેલાં ફ્રાન્સના સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પેરિસ વિશે માહિતી મેળવી હતી, અને મંદિર નિર્માણની પ્રોજેક્ટ ટીમના મુખ્ય સભ્યો સાથે મુલાકાત કરી હતી.
લંડન મંદિરના મુખ્ય કાર્યવાહક સંત યોગવિવેકદાસ સ્વામીએ જણાવ્યું, “આ ઐતિહાસિક અવસર પર ભક્ત સમુદાય રાજવી દંપતીનું નીસડન મંદિરમાં સ્વાગત કરતાં આનંદ અનુભવી રહ્યો છે. તેઓની મિત્રતા અને મંદિરના સામાજિક સેવાકાર્યોમાં સતત રસ લેવા બદલ અમે તેઓનો ખૂબ આભાર વ્યકત કરીએ છીએ.”
વિશ્વવ્યાપી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભારતમાંથી એક વીડિયો સંદેશ દ્વારા રાજવી પરિવારને માટે તેઓની પ્રાર્થના અને આશીર્વાદ પાઠવતા જણાવ્યું,
“તમારી જાહેર સેવાના દાયકાઓ દરમિયાન, તમે આસ્થાને આદર આપ્યો છે અને ધર્મો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપ્યું છે; આજે આપની અહીં ઉપસ્થિતિ તેની સાબિતી છે.”
ઉપરાંત, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કિંગ ચાર્લ્સને એક પત્રમાં સમગ્ર યુ.કે દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પણ આશીર્વાદ પાઠવ્યા હતા.
મંદિરની સામાજિક અને આધ્યાત્મિક સેવાપ્રવૃત્તિઓમાં નિરંતર પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહેલાં સ્વયંસેવકોની ભક્તિ અને સેવાને બિરદાવીને રાજવી દંપતીએ વિદાય લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ