
વલસાડ, 30 ઓક્ટોબર (હિ.સ.) : વલસાડ જિલ્લામાં બુધવાર વહેલી સવારથી અચાનક વરસાદી માહોલ સર્જાયો, જેના કારણે જલારામ જયંતિના કાર્યક્રમોમાં અવરોધ પડ્યો. ગાજવીજ સાથે વરસેલા વરસાદે આયોજકો અને ભક્તોને મુશ્કેલી પડી, છતાં અનેક ભક્તો વરસાદમાં પણ પૂજા અને ભજનમાં તલ્લીન જોવા મળ્યા. ગુરુવારે પણ સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો. છેલ્લા કેટલીક દિવસોથી અહીં અસમાન્ય હવામાન નોંધાઈ રહ્યું છે, જ્યાં દિવસના જુદા-જુદા સમયમાં ગરમી, ઠંડી અને વરસાદનો અનુભવ થતો રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, વલસાડ તથા દક્ષિણ ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધી આ મિશ્ર વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે.
આ મોસમ દરમિયાન જિલ્લાના છ તાલુકામાં નોંધાયેલ વરસાદ મુજબ વલસાડમાં 2504 મિમી, ધરમપુરમાં 2972 મિમી, પારડીમાં 2664 મિમી, કપરાડામાં 4064 મિમી, ઉમરગામમાં 2766 મિમી અને વાપીમાં 2744 મિમી વરસાદ નોંધાયો છે. 1 જૂનથી અત્યાર સુધી સરેરાશ 2952.33 મિમી વરસાદ નોંધાયો છે.
દિવાળી બાદ પડેલા આ કમોસમી વરસાદને કારણે ડાંગર અને શાકભાજીના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વાતાવરણની આ અનિશ્ચિતતા ખેતી–આધારિત જીવનશૈલીના જોખમોનું યાદ અપાવે છે અને ભવિષ્યમાં સ્માર્ટ કૃષિ અને હવામાન–અનુમાન આધારિત આયોજનની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે