
પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરમાં પાણીની તંગી સામે શહેર કોંગ્રેસે સિદ્ધિ સરોવર ખાતે નગરપાલિકાનું ‘બેસણું’ યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આ સમસ્યાને નગરપાલિકાની બેદરકારીનો પરિણામ ગણાવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે આ વિરોધનો હેતુ સત્તાધીશો અને વહીવટકર્તાઓની અવગણનાને જાહેર કરવાનું છે.
કોંગ્રેસના આક્ષેપો મુજબ, 28મી તારીખે ખોરસમ કેનાલનો વાલ્વ તૂટતા શહેરમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. નગરપાલિકાની અણઆવડતને કારણે સિદ્ધિ સરોવર ખાલી હતું, જ્યારે સામાન્ય રીતે તેમાં પાંચ દિવસનો પાણીનો જથ્થો સંગ્રહિત રહે છે. કોંગ્રેસે પાલિકાને આ પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી છે.
આ આક્ષેપો સામે શાસક પક્ષના દેવચંદભાઈ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે સિદ્ધિ સરોવરમાં સામાન્ય રીતે 15 દિવસનો પાણીનો સંગ્રહ રહે છે. ખોરસમ કેનાલનો મુખ્ય વાલ્વ તૂટી જવાથી તાત્કાલિક પુરવઠો બંધ થયો હતો, પરંતુ તે 1-2 દિવસમાં રિપેર થઈ જશે અને પાણી પુરવઠો સામાન્ય થઈ જશે. તેમણે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ