ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટે વિવિધ સર્જનાત્મક કાર્યશાળા યોજાઈ
વલસાડ, 30 ઓક્ટોબર (હિ.સ.)- વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા સ્પેશિયલ કેમ્પેઈન 5.0 અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફમાં સ્વ
Valsad


વલસાડ, 30 ઓક્ટોબર (હિ.સ.)- વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા સ્પેશિયલ કેમ્પેઈન 5.0 અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફમાં સ્વચ્છતા, ટકાઉ જીવનશૈલી અને રિસાયક્લિંગની સંકલ્પના પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમ્યાન સ્પર્ધકો દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્વચ્છ ભારત મિશન”ને ચરિતાર્થ કરવા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા “વેસ્ટ ટુ આર્ટ” પહેલ હેઠળ વિવિધ કલાકૃતિઓ જેમાં ખાસ કરીને પ્લાસ્ટિક અને ઈ-વેસ્ટનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવી હતી. કચરામાંથી નવી કલ્પનાઓ અને સર્જનાત્મક વિચારો સાથે બનાવેલી કૃતિઓએ ટકાઉ વિકાસ અને રિસાયક્લિંગનો સંદેશ આપ્યો હતો. નાલંદા ગુરુકુલ વિદ્યાલય, સુરતના વિદ્યાર્થીઓએ યુનિક ડોલ (ઢીંગલી), લેપટોપ, ઢોલ-ટેબલ, રોબોટ અને બેલ (ઘંટ) જેવી આકર્ષક કૃતિઓનું નિર્માણ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના ટ્રેનીંગ હોલમાં સ્ટાફના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના સ્ટાફ અને સહભાગીઓએ પણ સ્નેલ (ગોકળગાય), ઢોલ વગાડતો માણસ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ટાવર, ડાંગી હાઉસ, ઘુવડ, સ્પાઇડર ઓન વેબ (ઈ-વેસ્ટ), પેપર વેઈટ, ધ ક્રેબ (ઈ-વેસ્ટ), કેક્ટસ, ફ્લાવર પોટ (ઈ-વેસ્ટ), જિમ્નાસ્ટ, રાફ્ટ (તરાપો), રોબોટ, ઇન્ડિયા ગેટ (ઈ-વેસ્ટ) અને ટ્રક જેવી અનોખી કૃતિઓ તૈયાર કરી હતી. આ કૃતિઓ ફક્ત કલાત્મક અભિવ્યક્તિ પૂરતી નથી, પરંતુ નકામી વસ્તુઓમાંથી આકર્ષક અને ઉપયોગી વસ્તુઓ બનાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સ્વચ્છતાનો સંદેશ પણ પ્રસરાવે છે.

ઇનોવેશન હબ ખાતે “વર્મી કોમ્પોસ્ટિંગ વર્કશોપ”નું આયોજન થયું હતું, જેમાં સારસ્વતી માધ્યમિક વિદ્યામંદિર, બારડોલીના 89 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કચરાના ટકાઉ પ્રબંધન અને સજીવ ખાતર બનાવવાની પ્રક્રિયા અંગે પ્રયોગાત્મક જ્ઞાન મેળવ્યું હતું. ધરમપુરના નગારિયાની કેડી સ્કૂલના ૪૫ વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોની હાજરીમાં ઇકો-ફ્રેન્ડલી કેન્ડલ અને દીવા બનાવવાની કાર્યશાળા યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ મીણ પીગાળી વિવિધ મોલ્ડમાં ઢાળી આકર્ષક દિવડા તૈયાર કર્યા હતા. આ કાર્યશાળાએ તેમને રચનાત્મક કૌશલ્ય સાથે પર્યાવરણ અનુકૂળ ઉત્પાદન અને આર્થિક રીતે સ્વાવલંબનના માર્ગ પર પ્રેરણા આપી હતી. ઇનોવેશન હબ ખાતે સ્ટાફ માટે ઇકો-ફ્રેન્ડલી દીવા મેકિંગ વર્કશોપ યોજાયો હતો, જેમાં 9 સ્ટાફ સભ્યોએ કુદરતી તથા બાયોડિગ્રેડેબલ સામગ્રીથી આકર્ષક દીવા બનાવી પર્યાવરણ અનુકૂળ તહેવારની ઉજવણીનો સંદેશ આપ્યો હતો. તા.13 થી 15 ઑક્ટોબર દરમિયાન “વેસ્ટ ટુ વેલ્થ” થીમ હેઠળ પેપર બેગ મેકિંગ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાર શાળાઓના કુલ 216 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અખબારના કાગળની થેલીઓ તૈયાર કરી હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ રીસાયક્લિંગ અને ટકાઉ વિકાસની વિચારધારાનો અનુભવ કર્યો અને “કચરામાંથી કલા”નો પ્રેરક સંદેશ સમાજને આપ્યો હતો.

જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડએ જણાવ્યું કે, આવા વર્કશોપ બાળકોમાં સર્જનાત્મકતા સાથે પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવે છે. દરેક નાની પહેલ સ્વચ્છ અને હરિત ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર અવારનવાર આ પ્રકારના રચનાત્મક કૌશલ્ય વિકાસના કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ માટે પોતાની સામાજિક જવાબદારીનું નિર્વહન કરે છે. આ તમામ પ્રવૃત્તિઓ સ્પેશિયલ કેમ્પેઈન 5.0ના ઉદ્દેશ્યને સાકાર કરતી પ્રવૃત્તિઓના માધ્યમથી સ્વચ્છતા, પર્યાવરણીય જાગૃતિ અને ટકાઉ વિકાસ તરફનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના તમામ સ્ટાફનો અમુલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande