




પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર સહીત ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાની પહોંચી છે. લાખો રૂપિયાની મહેનત મજૂરી પર કુદરતે પાણી ફેરવી દેતા ખેડૂતો ખેતરમાં રડી રહ્યા છે. ખુબ ખરાબ પરિસ્થિતિ પોરબંદરના ખેડૂતોની છે ત્યારે રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાતમાં મંત્રીઓને પાક નુકશાનીનો તાગ મેળવવા વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી હતી.
પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાને પણ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી હતી તોજિલ્લા ભાજપના આગેવાનોને નુકશાનીનો તાગ મેળવવા અને સરકારમાં રિપોર્ટ મેળવવા સૂચના આપવામાં આવી હતી, તે અન્વયે પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનોએ પોરબંદર જિલ્લાના વિવિધ ગામડાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને કેવી નુકશાની પહોંચી અને પરિસ્થિતિ શું છે તેઓ અહેવાલ કર્યો હતો. બાદ પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો પરબતભાઈ ઓડેદરા, વિરમભાઇ કારાવદરા, રામદેવભાઈ મોઢવાડીયા તેમજ વિવિધ ગામોના સરપંચોની હાજરીમાં ખેતરોની મુલાકાત લઈ નુકશાની શું છે અને કેટલી છે તે અંગે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.આ તમામ અહેવાલ તૈયાર કરી પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને મોકલાયો હતો અને રાજ્યસરકારમાં મોકલાયો હતો.
આ મુદ્દે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ ઓડેદરાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે અને બપોરના સમયે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પોરબંદર જિલ્લામાં થયેલી પાક નુકશાની અંગે વિગતવાર મીડિયા સમક્ષ અહેવાલ મુક્ત જણાવ્યું હતું કે, પોરબંદરમાં પાક નુકશાની મોટા પ્રમાણમાં છે તેનો રિપોર્ટ અર્જુનભાઈ મોઢવાડીયા અને સરકારમાં મોકલ્યો છે. સરકાર દ્વારા સર્વેની ટીમની રચના કરવા સૂચના આપવામાં આવી છે તે અંતર્ગત પોરબંદરમાં 20 લોકોની આગેવાનીમાં ટીમની રચના કરવામાં આવી છે.આગામી 7 દિવસની અંદર આ ટિમ પોરબંદરમાં થયેલી નુકશાનીનો રિપોર્ટ સરકારમાં આપશે. ત્યારબાદ સરકાર ખેડૂતોને સહાય આપશે તેમ પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya