
- 1 થી 15 નવેમ્બર, 2025 સુધી યોજાનારા આ ભારત પર્વમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર થશે
ગાંધીનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વર્ષની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણથી આ વર્ષે એકતાનગર ખાતે આ ઉજવણી દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી જેમ જ ભવ્ય રીતે કરવામાં આવી રહી છે.આ ઉજવણી અંતર્ગત 1 થી 15 નવેમ્બર, 2025 સુધી યોજાનારા ભારત પર્વમાં દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અનેક સાંસ્કૃતિક તથા દેશભક્તિના કાર્યક્રમો દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરવામાં આવશે.
ભારત સરકારના પર્યટન મંત્રાલય અને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે ભારત પર્વ પ્રથમ વખત એકતાનગર ખાતે યોજાઈ રહ્યો છે.ભારત પર્વમાં ભારતની વિવિધ સાંસ્કૃતિક વિરાસત, ખાન-પાન પરંપરા અને કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે. તેમજ દરરોજ સાંજે બે અલગ અલગ રાજ્યો અનોખી પરંપરાઓ અને કલા પફોર્મ્સનું પ્રદર્શન થશે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુન્ડા જયંતી નિમિત્તે વિશેષ પ્રસ્તુતિ પણ યોજાશે.
ભારત પર્વમાં જંગલ સફારી પાસે 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે.આ ઉપરાંત 55 હસ્તકલા સ્ટોલમાં ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકળાઓ પ્રદર્શિત કરાશે. ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવાશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ