
પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના રાધનપુર, સાંતલપુર અને સમી-શંખેશ્વર પંથકના ખેડૂતો હાલમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાના પાક (ખરીફ સીઝન)માં અતિવૃષ્ટિ અને પૂરના કારણે નુકસાન થયું હતું. ખેતરોમાં વાવેતર કરેલા શિયાળુ પાક (ચણા, ઘઉં, રાયડો) પર તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે પણ ભારે અસર પડી છે. ઘણા ખેડૂતોને 'પડ્યા માથે પાટુ' જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂત વિનુ પટેલ અને મુકેશ સોલંકી જણાવે છે કે, સરકાર દ્વારા જાહેર કરેલા સહાય પેકેજ હજુ ખેડૂતના ખાતામાં જમા નથી થયા. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે રવિ સીઝનનું વાવેતર મોડું થઈ રહ્યું છે, જે ઉત્પાદન ઘટાડશે. ઉંચા બિયારણ ભાવ અને અછતના કારણે ખેડૂત પૂરતું વાવેતર કરી શકતા નથી.
ખેડૂતોએ તાત્કાલિક રજૂઆત કરી છે કે, સરકારે ખરીફ પાક માટેની સહાય તરત જ ખેડૂતના ખાતામાં જમા કરવી, નવા કમોસમી વરસાદથી નુકસાનની સર્વે કરીને સહાય પેકેજ જાહેર કરવું અને રવિ સીઝન માટે ઘઉં-ચણાનું બિયારણ સબસીડીમાં ઉપલબ્ધ કરાવવું. સમયસર પગલાં ન લેવાતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ