

ગોધરા, 30 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને દૂરદર્શન કિશાન ટીમ દ્વારા સંયુક્ત રીતે “કૃષિ ચૌપાલ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટીંબડીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું. તેમણે પોતાના માર્ગદર્શક સંબોધનમાં જણાવ્યું હતુ કે“પ્રાકૃતિક ખેતી આપણા પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડતી એક સુસ્થિર ખેતી પદ્ધતિ છે, જે જમીન, પાણી અને માનવ આરોગ્યને સંતુલિત રાખે છે.”
આ કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાયો હતો. જેમાં પ્રથમ તબક્કામાં કુલપતિ ડૉ. સી. કે. ટીંબડીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.આર.એ.ગુર્જર અને સંશોધન નિયામક ડૉ. ગોપાલ વડોદરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દૂરદર્શન કિશાનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તબક્કામાં પ્રાકૃતિક કૃષિની પ્રસ્તાવના અને તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં, મદદનીશ સહપ્રાધ્યાપક ડૉ.રઘુનંદન, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.એ.એ.ભીમાણી તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.આર.પી.અમીપરા દ્વારા પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન વ્યવસ્થા, પાકને પોષણ આપવાની રીતો અને પ્રાકૃતિક ખાતરોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્રીજા તબક્કામાં આચાર્ય ડૉ.પી.એચ.નાયકા(હાલોલ), આચાર્ય ડૉ.સ્વપ્નિલ(અમરેલી) તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.ધારા પ્રજાપતિ દ્વારા બીજ ઉપચાર, રોગ-જીવાત નિયંત્રણ અને કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.ક્રીમ્પલ ખૂંટ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. મુકેશ ચૌધરી, હીતેશ જોગરાજીયા તથા મહેન્દ્ર મેવાડાએ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ખેડૂતમિત્રો સાથે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિક ખેતીના પ્રયોગાત્મક પાસાઓ પર ચર્ચા કરી ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી માત્ર રાસાયણિક મુક્ત ઉત્પાદન નહીં, પરંતુ એક જીવનદ્રષ્ટિ છે, જે જમીનને સજીવ રાખે છે, જીવ વૈવિધ્ય વધારે છે અને ખેડૂતને આત્મનિર્ભર બનાવે છે તેવી સમજણ આપવાનો સફળ પ્રયાસ કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ