
પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ એલ.સી.બી.એ સિદ્ધપુર-મહેસાણા હાઈવે પર હોટલ અમરદીપ નજીક નાકાબંધી કરીને વિદેશી દારૂ ભરેલા કન્ટેનર ટ્રકને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ₹56,45,132/-નો મુદ્દામાલ જપ્ત થયો હતો અને ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચનાના આધારે હાથ ધરવામાં આવી હતી.
બાતમીના આધારે પોલીસે ધારેવાડાથી મહેસાણા જતાં કન્ટેનરને રોકી તપાસ કરતા 6,168 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા, જેની કિંમત ₹46,39,632/- થાય છે. સાથે જ ₹10 લાખનો કન્ટેનર ટ્રક, ₹5,000/-નો મોબાઇલ ફોન અને ₹500/-નું જી.પી.એસ. મળી કુલ ₹56,45,132/-નો મુદ્દામાલ જપ્ત થયો હતો.
પોલીસે ટ્રક ચાલક રમેશ ભભુતારામ ઇશરારામ ધતરવાલ (રહે. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 65(ઇ), 116(બી), 81, 83 અને 98(2) હેઠળ ગુનો નોંધાયો છે. ટ્રકના માલિક સહિત બે આરોપીઓ હજી ફરાર છે અને એલ.સી.બી. પાટણ તેમની શોધખોળમાં લાગી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ