જૂનાગઢમાં લીલી પરિક્રમા માટે તંત્ર સંપૂર્ણ સજજ : કલેકટર અનિલ રાણાવસિયા
જૂનાગઢ કલેકટર અનિલ રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા - ૨૦૨૫ સંદર્ભે જાણકારી આપી જૂનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા - ૨૦૨૫ સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં આગામી ૩૧મી
જુનાગઢ લિલી પરિક્રમા


જૂનાગઢ કલેકટર અનિલ રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા - ૨૦૨૫ સંદર્ભે જાણકારી આપી

જૂનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા - ૨૦૨૫ સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં આગામી ૩૧મી ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે તા.૨જી નવેમ્બરે શરૂ થવા જઈ રહેલી ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓએ ખાસ વરસાદની સ્થિતિ ધ્યાને રાખીને આવવાનું આયોજન કરવું હિતાવહ છે. હાલની વરસાદની સ્થિતિ પ્રમાણે પ્રવાસીઓએ પ્રવાસ અંગે તકેદારી રાખવા અને આયોજન કરવા કલેક્ટરએ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક દોઢ માસમાં ગિરનાર લીલી પરિક્રમામાં આવતા ભાવિકો માટે પરિક્રમા રૂટની મરામત, રોડ રસ્તા, હેલ્થ, પીવાના પાણી, લાઈટ સહિતની જરૂરી સુવિધાઓની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. તંત્ર સંપૂર્ણ સજજ છે પરંતુ છેલ્લા ચારેક દિવસથી વરસાદથી ગિરનાર લીલી પરિક્રમાના રૂટને અસર પહોંચી છે. રૂટના રસ્તા પર માટી હોવાથી કિચડ થયો છે. જેથી પરિક્રમા દરમિયાન ચાલવું ખૂબ મુશ્કેલ બની જાય છે, તેવી જ રીતે વ્હીકલ લઈ જવું પણ એટલું જ મુશ્કેલ છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, સેવાભાવી સંસ્થાઓના અન્નક્ષેત્રોને પણ વરસાદની સ્થિતિ જોતા તા.૩૦ ઓક્ટોબર સુધી વાહન ન લઈ જવા માટે સૂચના આપી છે.

જિલ્લા કલેકટરએ ખાસ ગિરનાર લીલી પરિક્રમા પધારતા ભાવિકોને અનુરોધ કરતા કહ્યું કે, ભારે વરસાદથી પરિક્રમા રૂટ પર ચાલવું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે ગિરનાર લીલી પરિક્રમામાં આવવા માટેના આયોજન અંગે હવામાન વિભાગના અપડેટ પર નજર રાખવા, વરસાદની સ્થિતિ પર જરૂરી તકેદારી રાખવા જણાવ્યું હતું. ખાસ બાળકો, દિવ્યાંગો અસક્ત અને વયોવૃદ્ધ લોકોને વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે.

જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું કે, વાતાવરણમાં ઉઘાડ થવાની સાથે જ ગિરનાર લીલી પરિક્રમાના રૂટની રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલ તંત્ર વરસાદની સ્થિતિ પણ નજર રાખી રહ્યું છે અને અપડેટ પણ તંત્ર તરફથી ૩૧મી એ આપવામાં આવશે. બીજી તરફ ઉઘાડ નીકળતા જ પ્રભાવિત થયેલા પૂરતા રસ્તાઓ રીપેરીંગ કરવાનું પણ વન વિભાગનું આયોજન છે. મીડિયા કર્મીઓને આ જાણકારી આપતી વેળાએ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને નાયબ વન સંરક્ષક અક્ષય જોશી ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande