


મહેસાણા, 31 ઓક્ટોબર (હિ.સ.) : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નમિસારા ગામની સરકારી આંગણવાડી આજે ગ્રામ્ય શિક્ષણમાં પરિવર્તનનું પ્રતિક બની ગઈ છે. મહિન્દ્રા એક્સેલો અને યુનાઇટેડ વે ઓફ વડોદરાના સહયોગથી આ આંગણવાડીનું રૂપાંતર “સ્માર્ટ આંગણવાડી” તરીકે થયું છે, જે ખાનગી શાળાઓને ટક્કર આપે છે.
આ આંગણવાડીમાં સ્માર્ટ ટીવી દ્વારા બાળકોને વાર્તાઓ, ગીતો અને કવિતાઓ દ્રશ્યરૂપે શીખવવામાં આવે છે. “શીખો અને રમો” પદ્ધતિથી બાળકોમાં શીખવાની રસિકતા વધીને તેમની ભાષા અને વિચારશક્તિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સૌથી મોટો ફેરફાર બાળકોની હાજરીમાં નોંધાયો છે — હવે હાજરી સો ટકા સુધી પહોંચી ગઈ છે.
વાલીઓ પણ આ બદલાવથી ખુશ છે. તેઓ કહે છે કે બાળકો હવે ઘરે પણ શીખેલી કવિતાઓ ગાય છે અને શીખવા પ્રત્યે ઉત્સાહ બતાવે છે. આંગણવાડીમાં ડે કેર સુવિધા અને પોષણયુક્ત ભોજનના કારણે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ બંને દિશામાં આગળ વધી રહ્યો છે.
ICDS અધિકારી સાવિત્રી નાથજીએ જણાવ્યું કે, “ટેકનોલોજી અને શિક્ષણના સંયોજનથી નમિસારાની આંગણવાડી આનંદદાયક અને પ્રેરણાદાયક માહોલ પૂરું પાડી રહી છે.”
આ સ્માર્ટ આંગણવાડી હવે માત્ર શિક્ષણ કેન્દ્ર નથી, પરંતુ ગામના ભવિષ્યનો પાયો બની છે. નમિસારાનું આ મોડલ સાબિત કરે છે કે યોગ્ય સહયોગ અને દૃષ્ટિકોણથી સરકારી સંસ્થાઓ પણ આધુનિક શિક્ષણ પ્રણાલીમાં આગેવાની લઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR