
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : દર વર્ષે ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરએ પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે દોડને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધિકારીઓ, પોલીસ વિભાગના જવાનો તેમજ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ એકતા અને જાગૃતિનો સંદેશ આપતા પોસ્ટર અને બેનરો રજૂ કર્યા હતા.
દોડ સરદાર પટેલ રમતગમત સંકુલથી શરૂ થઈને બગવાડા દરવાજા સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી સમાપ્ત થઈ હતી. સમાપ્તિએ મહાનુભાવો દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ, હોમગાર્ડ્સ, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ