


મહેસાણા, 31 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વિઠોડા ગામની શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પીએમશ્રી પ્રાથમિક શાળા શિક્ષણમાં નવીનતા માટે રાજ્યભરમાં ઓળખાય છે. અહીંના શિક્ષક આદિત્ય દરજીએ શરૂ કરેલા “અક્ષર સુધારણા અભિયાન”એ વિદ્યાર્થીઓના હસ્તલેખનમાં અદ્ભુત ફેરફાર લાવ્યો છે. ધોરણ 3 થી 8ના 300 જેટલા બાળકોના અક્ષર હવે સુંદર, સ્પષ્ટ અને સંતુલિત દેખાય છે.
આદિત્ય દરજીનું માનવું છે કે “સુંદર લખાણ એ આત્મવિશ્વાસની ચાવી છે.” તેમની માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ રોજ અક્ષરલેખનનો અભ્યાસ કરે છે, તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને શાળામાં સન્માન અપાય છે. આ પહેલથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, ધીરજ અને સર્જનાત્મકતા વિકસ્યા છે.
આ પ્રયોગને GCERTએ રાજ્યસ્તરે પ્રશંસા આપી છે અને અન્ય શાળાઓમાં આ મોડલ અમલમાં લાવવા સૂચન કર્યું છે. ઇનોવેશન ફેરમાં આ પ્રોજેક્ટ ટોપ-5માં રહ્યો હતો, જ્યારે શિક્ષક દિને આદિત્ય દરજીને “શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” એનાયત થયો હતો.
વર્ષ 2010થી ચાલતા આ અભિયાનથી બાળકોમાં લખાણ સાથે સાથે ભાષા જ્ઞાન અને અભિવ્યક્તિ શક્તિમાં પણ ઉત્કૃષ્ટ સુધારો નોંધાયો છે — જેનાથી વિઠોડાની આ શાળા “અક્ષર સંસ્કાર”નું જીવંત ઉદાહરણ બની ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR