


મહેસાણા, 31 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા ખાતે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ના ભાગરૂપે “રન ફોર યુનિટી” દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ દોડમાં મહાનુભાવોથી લઈને વિદ્યાર્થીઓ સુધી સર્વે વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ લેવાયો હતો. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલે રજવાડાઓના વિલીનીકરણ દ્વારા અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું હતું, તેથી આપણે પણ તેમના આદર્શો પરથી પ્રેરણા લઈ એકતા જાળવવી જોઈએ.
આ દોડ દૂધ સાગર ડેરી પાસેના સર્વિસ રોડથી શરૂ થઈ રાધનપુર ચાર રસ્તા માર્ગે મોઢેરા ચાર રસ્તા સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, એસ.પી. હિમાંશુ સોલંકી સહિતના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR