
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ નગરપાલિકાની સામાન્ય સભા વિવાદોથી ઘેરાઈ ગઈ હતી, જેમાં શાસક પક્ષના જ કેટલાક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી હતી. પ્રમુખ હિરલબેન પરમારના મોટાભાગના કામો બહુમતીથી મુલતવી અથવા નામંજૂર થયા હતા. કુલ 86 એજન્ડામાંથી 10 કામો નામંજૂર અને 15 મુલતવી રાખાયા હતા.
પ્રમુખ હિરલબેન પરમારે સભામાં થયેલા વિરોધ પર પ્રહારો કરતાં જણાવ્યું કે અમુક સભ્યોએ પોતાનું મહત્વ બતાવવા વિપક્ષની જેમ વર્તન કર્યું છે. તેમણે શૈલેષ પટેલ, નરેશ દવે, હીનાબેન શાહ, મનોજ પટેલ અને એમ.જે. પટેલને વિકાસ રોકવા માટે જવાબદાર ગણાવ્યા હતા.
વિપક્ષના સભ્ય ભરત ભાટિયાએ આ સામાન્ય સભાને ગેરબંધારણીય ગણાવી હતી. તેમનો આક્ષેપ હતો કે પ્રમુખ પોતાની મનમાની કરીને યાદી લેતા ન હોવાથી ભાજપના જ સભ્યોએ બહિષ્કાર કર્યો અને પ્રમુખના રાજીનામાની માંગ ઉઠાવી.
ભાજપના અન્ય સભ્યોએ પણ પાટણની હાલત અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રમુખ અને ચીફ ઓફિસર પર બેદરકારીના આક્ષેપો કરતાં કહ્યું કે ઐતિહાસિક પાટણ આજે “ખાડા નગરી” બની ગયું છે, કારણ કે શહેરના વિકાસ કાર્યોમાં કોઈ રસ લેવાતો નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ