અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરીયાણા ગામમાંથી સગીરાનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં બાબરા પોલીસ દ્વારા નોંધ લેવાઈ હતી. કેસની વિગત મુજબ આરોપી વિજય રતનદાસ ગોંડલીયાએ નાબાલિક યુવતીને પ્રલોભન આપી અપહરણ કરી અનૈતિક કૃત્ય આચર્યું હતું. ઘટનાની તપાસ દરમિયાન બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીએ પૂરતા પુરાવા એકત્ર કરી આરોપી વિરુદ્ધ મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એમ.આર. ત્રિવેદીએ કોર્ટ સમક્ષ પીડિતાને ન્યાય મળે તે માટે અસરકારક દલીલો રજૂ કરી હતી. કોર્ટએ પુરાવા અને દલીલોના આધારે આરોપી વિજય રતનદાસ ગોંડલીયાને દોષિત ઠરાવી ૨૦ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦,૦૦૦/- ના દંડની સજા ફરમાવી. દંડ ન ભરાય તો વધુ છ મહિના વધારાની સજા પણ નક્કી કરવામાં આવી છે.
આ ચુકાદા સાથે નાબાલિકાઓ સામેના ગુનાખોરીને રોકવા માટે ન્યાયતંત્રે કડક સંદેશ આપ્યો છે કે આવા ગુનામાં સામેલ વ્યક્તિઓને કાયદો કોઈ રીતે બચવા નહીં દે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai