જામનગર, 7 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં જીએસટીના સીએ સહીત ૨૫ પેઢીમાં મેગા સર્ચને પાંચ દિવસ થવા છતા તપાસનીશ અધિકારીઓને ચોકકસ કડી ન મળી હોય કોઇ મૌન સેવી લેતા રહસ્ય વધુ ઘેરૂ બન્યું છે. હજુ પણ તપાસ અને નિવેદનનો દૌર યથાવત રહ્યો છે. તપાસમાં સહયોગના બદલે પેઢીના સંચાલકો ડાંડાઇ કરતા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે તપાસનીશ અધિકારીઓ દ્રારા કોમ્પ્યુટર સહીતના મહત્વના દસ્તાવેજો જપ્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે ૧૦૦ કરોડના કથીત કૌંભાડમાં નકકર કાર્યવાહી થશે કે ભીનું સંકેલાશે તેના પર સૌની મીટ મંડાઇ છે.
ગુજરાતમાં જીએસટી એનફોર્સમેન્ટ વિભાગની અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ટીમોએ શુક્રવારે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી જામનગરમાં સીએ, વકીલ, બિલ્ડર્સ અને બ્રાસના વ્યવસાય સાથે સંકળાયેલી 25 જેટલી પેઢીઓ પર દરોડા પાડયા હતાં. જેમાં શહેરના હીરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એસોસિએટેડ નામની પેઢી ધરાવતા સીએ અલ્પેશ પેઢડીયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો અને વ્યવહારો કરવામાં આવ્યાનું અને સંભવત: 100 કરોડનું કૌંભાડ આચરવામાં આવ્યાનું ખૂલતા ભારે ચકચાર સાથે શહેરભરમાં ખળભાળટ મચી ગયા છેેે. તપાસ શરૂ થતા સીએ અલ્પેશ પેઢીને તાળા મારી નાસી ગયો હતો. તપાસ દરમિયાન અમુક પેઢીના માલિકોએ કબૂલ્યું કે તેઓને વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વ્યવહારો કરવામાં આવતા હતા. ઉપરાંત કેટલીક બોગસ પેઢીઓ ચાલી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આથી જીએસટીના અધિકારીઓ દ્રારા સીએના અન્ય એકમો, ઘેર તથા 25 જેટલી પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આટલું જ નહીં ખોટા બીલ અને બોગસ પેઢીઓ બનાવી ઇનપુટ ટેકસ ક્રેડીટ અને મનીલોન્ડરીંગ તથા હવાલા રેકેટ ખૂલવાની શકયતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. જયારે અમુક પેઢીના સંચાલકો તપાસમાં સહયોગ આપવાને બદલે ડાંડાઇ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ સ્થિતિમાં શહેરમાં જીએસટીનું મેગા સર્ચ ઓપરેશન મંગળવારે સતત પાંચમા દિવસે યથાવત રહ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. પાંચ-પાંચ દિવસની તપાસ બાદ પણ જીએસટી વિભાગ દ્રારા નકકર વિગતો જાહેર કરવામાં ન આવતા મસમોટા કૌભાડનું અને તપાસનું રહસ્ય વધુ ઘેરૂ બન્યું છે. આટલું જ નહીં શું તપાસનીશ અધિકારીઓને કોઇ ચોકકસ કડી મળી નથી તે સવાલ પણ ઉઠ્યો છે.બીજી બાજુ કૌભાડમાં યેનકેન પ્રકારે સંડોવાયેલા શખ્સોના નિવેદનનો દૌર હજુ પણ યથાવત રહ્યો છે. સાથે સાથે સીએ પેઢીના કોમ્પ્યુટર સહીતના દસ્તાવેજો જપ્ત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ખાસ કરીને બોગસ પેઢી અને ખોટા બીલ દ્રારા કરોડના આર્થિક વ્યવહારો કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલતા શહેરના ઇતિહાસના સૌથી મોટા જીએસટી કૌંભાડની આશંકા સેવાઇ રહી છે ત્યારે પાંચ-પાંચ દિવસ બાદ પણ કોઇ નકકર વિગતો જીએસટી વિભાગની સ્થાનિક તેમજ વડી કચેરી દ્રારા જાહેર કરવામાં ન આવતા સમગ્ર કૌભાડ ભીનું સંકેલાઇ જશે કે પછી વિગતો જાહેર કરી કડક પગલાં લેવામાં આવશે તેના પર સૌની મીટ મંડાઇ છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt