જામનગર, 7 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં પંચવટી સોસાયટીમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટને તેજ બિલ્ડીંગમાં રહેતા એક વેપારીએ સ્કૂટર લઈ જવાના પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચવટી સોસાયટીમાં ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા કમલેશભાઈ પંડ્યાએ ગઈકાલે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને જાહેરમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ એપાર્ટમેન્ટમા રહેતા જીતુભાઈ મનસુખલાલ વિઠલાણી નામના વેપારી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર એડવોકેટ ગઈકાલે પોતાની ઓફિસનું કામ પતાવીને ઘેર પહોંચી રહ્યા હતા, જે દરમિયાન એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બે અજાણ્યા માણસો એક સ્કૂટર લઈને જઈ રહ્યા હતા. તેથી એડવોકેટે તેઓને અટકાવીને આ સ્કૂટર કોનું છે, તે વિશે પૂછપરછ કરી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું, કે આ સ્કૂટર જીતુભાઈ વિઠલાણીનું છે. તેથી એડવોકેટેડ તેના કાગળો માંગ્યા હતા, અને જીતુભાઈને બોલાવી દેવાનું કહ્યું હતું.
દરમિયાન જીતુભાઈ ત્યાં આવી ગયા હતા, અને એડવોકેટ સાથે જીભાજોડી કરી હતી અને ગાળો ભાંડી હતી. ત્યારબાદ ફરીથી મોબાઈલ ફોન કરીને જો પોલીસ ફરિયાદ કરવા જશો તો તમને પતાવી નાખીશ એવી પણ ધમકી આપી હોવાથી આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt