જુનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિમેન ડેવલપમેન્ટ સેલની સૂચના સંદર્ભે ઇન્ટર્નલ કમ્પલેઇન કમિટી અને વિમેન ડેવલપમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે કોલેજની વિદ્યાર્થીનીઓ તથા અધ્યાપક બહેનો માટે સ્વાસ્થ્યલક્ષી જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શહેરની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ લાઇફ કેરના એમ.ડી. ગાયનેક ડો.આર.એ.પિન્ટો હતા. કાર્યક્રમનું સંચાલન કોલેજના આઇ.સી.સી. અને વી.સી.ડી. ના અધ્યક્ષ ડૉ.જાગૃતિ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડો.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરાઈ હતી. ત્યારબાદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રતિનિધી ડો.દિના લોઢીયાએ સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સુતરની આંટી આપીને અને શાલ ઓઢાડીને મુખ્ય વક્તાશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ.જે.આર.વાંઝાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપ્યું હતું.
ડૉ.આર.એ.પિન્ટોએ મહિલાઓએ શારીરિક સ્વાસ્થ્યને સાચવવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ અને શું શું સમસ્યાઓ હોય ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તેના વિશે સરળ શૈલીમાં ખૂબ મહત્ત્વપૂર્ણ બાબતો સમજાવી હતી. તેમજ પોષણક્ષમ આહાર અને કસરતનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ મેદસ્વિતા મુક્ત જીવન જાળવવા માટે શું શું પ્રયત્નો કરવા જોઈએ તેની માહિતી પણ આપી હતી. આ વ્યાખ્યાનના અંતે પ્રશ્નોતરી માટેનું સેશન રાખેલ. જેમાં વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા.
કાર્યક્રમના અંતે ડો.રચના વાઘેલાએ આભારવિધિ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમિતિના તમામ સભ્યો, અન્ય સ્ટાફ મિત્રો અને વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ