વડાપ્રધાનનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ની મહત્વની ભૂમિકા
- સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામીણ ક્રાંતિ, PMAY-G દ્વારા અનેક લાભાર્થીઓના સ્વપ્નોને મળ્યું પાકું સરનામું’ - સુરેન્દ્રનગર જિલ્લામાં PMAY-G યોજના હેઠળ કુલ 20033 આવાસો મંજૂર, 12636 આવાસો પૂર્ણ - PM-JANMAN યોજના હેઠળ 2874 આવાસો મંજૂર, 933 આવાસો પૂર્ણ
વડાપ્રધાનનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ની મહત્વની ભૂમિકા


- સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામીણ ક્રાંતિ, PMAY-G દ્વારા અનેક લાભાર્થીઓના સ્વપ્નોને મળ્યું પાકું સરનામું’

- સુરેન્દ્રનગર જિલ્લામાં PMAY-G યોજના હેઠળ કુલ 20033 આવાસો મંજૂર, 12636 આવાસો પૂર્ણ

- PM-JANMAN યોજના હેઠળ 2874 આવાસો મંજૂર, 933 આવાસો પૂર્ણ

- PMAY-G દ્વારા સુરક્ષા અને સ્થાયી આશ્રય સાથે દાણાવાડા ગામના અરવિંદભાઈના જીવનમાં

આવ્યો સકારાત્મક બદલાવ

સુરેન્‍દ્રનગર,7 ઓકટોબર (હિ.સ.) ગુજરાત રાજ્યની વિકાસયાત્રા વર્ષ 2001 થી 2025 સુધીના સંક્રાંતિકાળમાં સતત આગળ વધી રહી છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય હાંસલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે દર વર્ષે વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે. “નાગરિક પ્રથમ” અભિગમ સાથે લોકાભિમુખ શાસન દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ગ્રામ્ય જનજીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી, ગ્રામીણ વિકાસને વધુ મજબૂત કરે છે. આ યોજનાઓ વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

માનવ જીવનની ત્રણ મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન વિના જીવનની કલ્પના અધુરી છે. જ્યારે વરસાદના ટીપાં કાચા મકાનની છતમાંથી ટપકે છે અને પરિવારને ઠંડીમાં થરથર કંપાવે છે, ત્યારે એક પાકું મકાન માત્ર આશ્રય જ નહીં, પરંતુ સ્વપ્નોનું આધારસ્તંભ બને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) આવા અનેક ગ્રામીણ પરિવારોના જીવનમાં પ્રકાશ પાથરી રહી છે. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં ઘર વિહોણા અને કાચા-જર્જરિત મકાનોમાં રહેતા લોકોને પાયાની સુવિધાઓ સાથે પાકું આવાસ પૂરું પાડીને તેમના જીવનધોરણને ઉચ્ચ બનાવે છે.

આ યોજનાથી સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવાડા ગામના અરવિંદ કઠેકીયાના જીવનમાં આવેલા બદલાવ વિશેની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી પોતાનું પાકું મકાન બનાવવાનું સ્વપ્ન હતું, જે હવે સરકારી સહાયથી સાકાર થયું છે આજે અરવિંદભાઈને જૂના મકાનમાંથી મુક્તિ મળી, અને હવે તેઓ તેમના પરિવાર સાથે આ નવા પાકા ઘરમાં સુખેથી રહે છે. અરવિંદભાઈના પરિવારમાં કુલ ચાર સભ્યો છે જેમાં એક દીકરી, એક દીકરો અને તેમના પત્ની છે. નવા મકાનના નિર્માણથી સમગ્ર પરિવારમાં ખુશી અને સંતોષની લાગણી છે. તેમને હવે એક સુરક્ષિત અને સ્થાયી આશ્રય મળ્યો છે. અરવિંદભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલી આ સહાયથી જ તેમનું મકાન પૂર્ણ થયું છે. આ પાકું મકાન માત્ર ચાર દીવાલો નથી, પણ તેમના પરિવાર માટે સન્માન અને સુરક્ષાનું પ્રતીક છે. આ સ્વપ્ન પૂરું કરવા બદલ અરવિંદભાઈ અને તેમના પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ જીવંત ઉદાહરણ દર્શાવે છે કે, સરકારી યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 20033 આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી 12636 આવાસો પૂર્ણ થયા છે, જયારે 7397 આવાસો પ્રગતિ હેઠળ છે. પ્રધાનમંત્રી જનમન અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આદિમજૂથના 2874 આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી 933 આવાસો પૂર્ણ થયા છે. આ આંકડા માત્ર સંખ્યાઓ નથી, પરંતુ લાભાર્થી પરિવારોના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની સફળતાની કહાની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ યોજના અનેક પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. કાચા મકાનમાં રહેતા લોકોને પાકું આવાસ મળવાથી બાળકોને

અભ્યાસ માટે સુરક્ષિત જગ્યા મળી, વડીલોને આરામની સુવિધા મળી અને મહિલાઓને સ્વચ્છ શૌચાલય અને આરોગ્યનું રક્ષણ મળ્યું છે. મનરેગા હેઠળ મળતી રોજગારીએ તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવ્યા છે.

વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને ચરિતાર્થ કરવામાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂર થયેલા મકાનો દેશના ગ્રામીણ વિકાસને મજબૂતી આપે છે. આ યોજના માત્ર આવાસ જ નહીં, પરંતુ સ્વચ્છ ભારત,આત્મનિર્ભર ભારત અને સમાવેશી વિકાસના સિદ્ધાંતોને પણ પ્રોત્સાહન આપે છે. જ્યારે એક ગરીબ પરિવાર પાકા મકાનમાં પ્રવેશે છે, ત્યારે તે વિકસિત ભારતના સ્વપ્ન ભણી એક પગલું આગળ વધારે છે. આ માત્ર આંકડાઓ અને સહાયની વાત નથી, પરંતુ આશા, પરિશ્રમ અને પરિવર્તનની વાર્તા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પરિવારોના જીવનને રોશન કરી રહી છે. આ પ્રયાસ વડાપ્રધાનના વિકસિત ભારત@2047ના માર્ગે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande