સુરત , 8 ઓક્ટોબર (હિ.સ.)-સુરતના પુણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં આજે સવારે ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થતાં હાહાકાર મચી ગયો હતો. ઘટના દરમિયાન આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયેલા ફાયરના બે જવાનો – વાસુદેવ પટેલ અને નીરજ પટેલ – તેમજ એક સ્થાનિક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, સીતાનગર ચોકડી નજીકની વિક્રમનગર સોસાયટીમાં આવેલા ત્રણ માળના મકાનના ત્રીજા માળે નાનાં રૂમોમાં કામદારો રહે છે. અહીં હીરા અને એમ્બ્રોડરી ઉદ્યોગમાં કામ કરતા કામદારો ભાડે રહે છે અને ત્યાં જ રસોઈ પણ બનાવે છે.
આજે સવારે એક રૂમમાં રહેલા કામદારો રસોઈ માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક થતાં આગ લાગી ગઈ. તમામ કામદારો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી.
ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી હતી, ત્યારે અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રૂમની દીવાલો અને ઉપરના સિમેન્ટના પતરા તૂટી પડ્યા, જેના કારણે નજીકના ત્રણથી ચાર રૂમોને પણ નુકસાન થયું.
વિસ્ફોટથી આગ વધુ ફેલાતા ફાયર વિભાગે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. ઈજાગ્રસ્ત ફાયરમેન અને સ્થાનિક વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હાલ ફાયર વિભાગ દ્વારા મકાનની સુરક્ષા તપાસ તેમજ લીકેજના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે