સુરત, 8 ઓક્ટોબર (હિ.સ.): શહેરના ઉધના વિસ્તારમાં ભાઠેના ખાતે રહેતા ડોક્ટરનો ફ્લેટ ગતરોજ બંધ હતો ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના ફ્લેટને નિશાન બનાવ્યો હતો. તસ્કરો ઘરના બાથરૂમની બારીના કાચ ખોલી ઘરમાં પ્રવેશ કરી રૂપિયા 3.08 લાખના દાગીના તથા રોકડા રૂપિયા 2.47 લાખ મળી કુલ રૂપિયા 5.55 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી આખરે આ મામલે ડોકટરે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વતની અને સુરતના ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલ આમંત સોસાયટી વિભાગ-1 માં અલસીફા ફ્લેટ્સમાં રહેતા જાવેદ ગુલામ ગુલાબ સૈયદ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 6/10/2025 ના રોજ સવારે 10 થી બપોરે 2:15 વાગ્યાના સમયગાળા દરમિયાન તેમનું ફ્લેટ બંધ હતો. આ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના ફ્લેટને નિશાન બનાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ તેમના ઘરના બાથરૂમની બારીના કાચ ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા લાકડાના કબાટનો દરવાજો લોક તોડી નાખી તેમાં મુકેલા રૂપિયા 3.08 લાખના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા 2.47 લાખ મળી કુલ રૂપિયા 5.55 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. બનાવને પગલે આખરે ભોગ બનનાર જાવેદ સૈયદની ફરિયાદને આધારે ઉધના પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે રૂપિયા 5.55 લાખ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે