સુરત, 8 ઓક્ટોબર (હિ.સ.): સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા યુવકે ડીંડોલી વિસ્તારમાં રહેતી યુવતીને સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેના ફોટા અને વિડીયોના આધારે તું મારી સાથે લગ્ન કરવા માટે નહીં ભાગે તો હું આ વિડીયો અને ફોટાઓ લોકોને બતાવી સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકીઓ આપી તેના મહારાષ્ટ્ર લઈ ગયો હતો. જો કે ત્યારબાદ યુવકે તેની સાથે લગ્ન નહીં કરી માત્ર શારીરિક શોષણ કર્યું હતું. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ગોડાદરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા મેટ્રો પાસે અંબિકા હાઇટ્સમાં રહેતા વિક્રમસિંહ સુરેન્દ્રસિંહ રાજપુત એ ડીંડોલી વિસ્તારમાં રહેતી યુવતીને અઢી વર્ષ પહેલા મિત્રતા કરી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ અવારનવાર યુવતીના ઘરે આવી અને હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને અંગત પણોના ફોટા વિડિયો પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા. જોકે બાદમાં આ ફોટો અને વિડીયોના આધારે તું જો મારી સાથે લગ્ન કરવા નહીં ભાગે તો હું આપણા બંનેના વિડીયો અને ફોટાઓ વાયરલ કરીને તને સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકી આપતો હતો. એટલું જ નહીં પરંતુ તારા લગ્ન બીજે ક્યાંય નહીં થવા દઉં અને તું બીજા કોઈ સાથે લગ્ન કરીશ તો હું મરી જઈશ અને ચિઠ્ઠીમાં તારું અને તારા પરિવારનું નામ લખી દઈશ તેવી ધમકીઓ આપતો હતો. ત્યારબાદ તારીખ 29/9/2025 ના રોજ વિક્રમસિંહ યુવતીને લઈને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે ભાગી ગયો હતો પરંતુ ત્યાં પણ લઈ ગયા બાદ યુવતી સાથે લગ્ન નહીં કરી માત્ર શારીરિક શોષણ કર્યું હતું. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ સુરત આવી આ મામલે ડીંડોલી ફરિયાદ નોંધાવતા પોલીસે વિક્રમસિંહ રાજપૂત સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે