પોરબંદર, 8 ઓક્ટોબર (હિ.સ.): ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા અધિકારીઓ અને તેમના પરિવારજનો માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને પોરબંદર સ્પોર્ટ્સ એસોસિએશનના બાળકોએ દિલધડક એક્રોબેટિક યોગા પ્રસ્તુતિ આપી સૌનું મન જીતી લીધું હતું.
આ પ્રસ્તુતિનો મુખ્ય હેતુ યોગ વિદ્યા અને યોગ વિજ્ઞાનનો પ્રચાર કરવાનો હતો. બાળકોએ પોતાના અદભૂત યોગ પ્રદર્શન દ્વારા યોગની અનોખી શક્તિ,અને સંતુલનનું જીવંત પ્રતિક રજૂ કર્યું, જે દર્શકો માટે પ્રેરણાદાયી અને આનંદદાયી અનુભવ બની રહ્યો હતો.
આ યોગ પ્રસ્તુતિનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડિનેટર તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગ ફિટનેસ એક્સપર્ટ અને પોરબંદર સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રેસિડન્ટ કેતન કોટિયાના નેતૃત્વ હેઠળ થયું હતું.
કાર્યક્રમના અંતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડી.આઈ.જી.એ યોગ પ્રસ્તુતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાળકો, આયોજનકર્તાઓ તથા સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સૌને શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતભરના ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડી.આઈ.જી, કમાન્ડન્ટ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, નાવીકો તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya