- રાત્રિના સમયે સારવાર માટે આવતા દર્દીઓ અને સ્ટાફ વચ્ચે થતા ઝઘડાઓ બાદ નિર્ણય
અમદાવાદ, 8 ઓકટોબર (હિ.સ.): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં રાતના સમયે દર્દીઓ તેમજ પરિવારજનો સાથે ડોક્ટરો અને સ્ટાફ વચ્ચે ઝઘડાઓ તેમજ ગેરવર્તણૂકથી લઈને અલગ અલગ પ્રકારની ફરિયાદો મળતી હોવાના પગલે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હોસ્પિટલના અધિકારીઓને રાત્રિ ચેકિંગ કરવાની સૂચના આપી છે. 15 અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે દરેક અધિકારીને મહિનામાં બે વખત ચેકિંગ કરી અને કોર્પોરેશનની 311 એપ્લિકેશન ઉપર ફોટા સાથે વિગતો મૂકવાની રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, નગરી આંખની હોસ્પિટલ, એનએચએલ મેડિકલ કોલેજ અને નરેન્દ્ર મોદી મેડિકલ ડેન્ટલ કોલેજ, મેટ નર્સિંગ કોલેજ અને ઓટોમેટિક કોલેજ તેમજ ફિઝિયોથેરાપી કોલેજમાં રાત્રિના સમયે ડોક્ટરો તેમજ સ્ટાફની હાજરી ખાસ તપાસવામાં આવશે. રાત્રિના સમયે કેટલાક ડોક્ટરો અને સ્ટાફ સુઈ જતો હોવાના કારણે જે પણ દર્દીમાં સારવાર માટે આવે છે તેના માટે ડોક્ટરને બોલાવવા જવા પડતા હોય તેવા બનાવો સામે આવતા કમિશનર દ્વારા હોસ્પિટલ અને કોલેજના આસિસ્ટન્ટ મેનેજર તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના અધિકારીઓને નાઈટ ચેકિંગની સૂચના આપી છે.
મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ/કોલેજ/હોસ્ટેલ કે અન્ય સ્થળની નાઈટ ચેકિંગમાં કેજયુલટીમાં દર્દીઓની સારવારની વ્યવસ્થા, સફાઇ, રેસીડેન્ટ તથા અન્ય તબીબી સ્ટાફની હાજરી તેમજ અન્ય જરૂર જણાય જેવી બાબતોનું ચેકીંગ કરવાનું રહેશે. ચેકીંગના 311 એપ્લિકેશનમાં ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે.
હોસ્પિટલમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો, સિક્યુરીટીની કામગીરી બાયોમેડીકલ વેસ્ટની નિકાલ વ્યવસ્થા, દર્દીઓ માટેના તેમજ વિઝીટર માટેના ટોઇલેટ બ્લોકમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જળવાય છે કે નહિ તેની ચકાસણી કરવાની રહેશે. હોસ્પિટલમાં કોન્ટ્રાકટના સ્ટાફ જેવા કે પી.સી.એ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરીટી સ્ટાફની બાયોમેટ્રીક એટેડેન્ટના આધારે હાજરી પુરાય છે કે નહિ તેમજ તેઓને સોપાયેલ સ્થળ પર કામગીરી કરી રહેલાં છે કે નહિ તેની પણ ચકાસણી કરવાની રહેશે.
સમસ્યા હોય તો તે અંગે તેના ફોટા પાડી 311 એપ્લીકેશન પર અપલોડ કરવાના રહેશે. અન્ય જે કોઇ અવ્યવસ્થા માલુમ પડે તો તેનો રીપોર્ટ કરવાનો રહેશે. એપ્લિકેશનમાં જે પણ સમસ્યાઓ સંબંધિત અધિકારી પાસે જાય તેમના સમય મર્યાદામાં પ્રશ્નનું નિરાકરણ લાવવાનું રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ