અમરેલી, 8 ઓક્ટોબર (હિ.સ.): ઝોન કક્ષાએ યોજાયેલ પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત આયોજિત વાનગી સ્પર્ધામાં અમરેલી જિલ્લાના ધારી ઘટકની કાર્યકર બહેને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું છે. આ જીત સાથે અમરેલી ICDS (Integrated Child Development Scheme) શાખાનું નામ ઉજ્જવળ બન્યું છે.
સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લેનાર બહેનો દ્વારા પૌષ્ટિક, સ્વસ્થ અને સ્થાનિક ખાદ્ય પદાર્થોથી બનેલી નવીન વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. ધારીની કાર્યકર બહેને પોષણયુક્ત અને સ્વાદિષ્ટ વાનગી રજૂ કરીને નિષ્ણાતોનું મન જીતી લીધું હતું.
આ સફળતા બદલ અમરેલી ICDS અધિકારીઓ, સુપરવાઈઝર બહેનો અને સહકર્મીઓએ ધારીની કાર્યકર બહેનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાના પોષણ અભિયાન માટે પ્રેરણાદાયી છે.
પોષણ ઉત્સવ કાર્યક્રમનો હેતુ માતા-બાળના પોષણ, સ્વસ્થ ખોરાક અને સમતુલ્ય આહાર વિશે જાગૃતિ લાવવાનો છે. ધારીની બહેનની આ સિદ્ધિએ અમરેલી જિલ્લાના ICDS વિભાગની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનો ઉત્તમ દાખલો પૂરું પાડ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai