પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.): પાટણ નગરપાલિકામાં ₹12 કરોડના ખર્ચે શહેરના 90 રોડ રિપેરિંગ અને પેચવર્કના કામો માટે તાકીદની બેઠક યોજાઈ હતી. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે, વર્ષ 2025-26 માટે નક્કી કરાયેલા આ કામો દિવાળી પૂર્વે પૂર્ણ કરવાની યોજના છે. ચોમાસાના કારણે શહેરના આશરે 120 કિલોમીટર રોડને નુકસાન પહોંચ્યું છે અને તમામ કામોના ટેન્ડરો પણ થઈ ગયા છે.
બેઠક નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, કારોબારી ચેરમેન મુકેશ પટેલ, બાંધકામ ચેરમેન મહેશ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ, મનોજ એન. પટેલ અને બાંધકામ એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસરે બાગબગીચાના નવીનીકરણ માટે ફાળવેલી ₹2 કરોડની ગ્રાન્ટને રોડ રિપેરિંગ માટે વાપરવાની સલાહ આપી, જેને લઈને મતભેદ ઊભા થયા હતા.
કારોબારી ચેરમેન મુકેશ પટેલે આનંદ સરોવરના નવીનીકરણ માટે એ ગ્રાન્ટનો ઉપયોગ કરવાની માંગ કરી હતી. તેમણે આરોપ મૂક્યો કે વોર્ડ નંબર 11માં સૌથી વધુ કામોની ગ્રાન્ટ જતી રહી છે. ચીફ ઓફિસરે સ્પષ્ટ કહ્યું કે કોઈ કામમાં કાપ મુકાશે નહીં અને હાલ રસ્તાની દયનીય હાલતને દૃષ્ટિએ લઈને, તેમાં અગ્રતા આપવી જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ