અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.) દિવાળીના તહેવારમાં ફટાકડાના વેચાણ માટે ફાયર વિભાગ પાસેથી વેચાણનું લાઇસન્સ મેળવવું પડે પરંતુ રાજ્યસરકારના ગૃહ વિભાગે પરિપત્ર કર્યો છે કે હવેથી ફટાકડા સંબંધિત લાઇસન્સ અને ઇન્સ્પેક્શન માટે ફાયર સેફ્ટી સંબંધિત તમામ બાબતોની તપાસ કરી પોલીસ-વહીવટી તંત્ર દ્વારા લાઇસન્સ આપવામાં આવશે. પરંતુ જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ફટાકડા વેચાણનું લાઇસન્સ કોણ આપશે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદના જેસીપીએ રાજ્ય સરકારને પત્ર લખીને કહ્યું છે કે પોલીસ ટેક્નિકલ માણસ નથી તેથી ફટાકડા વેચાણનું લાઇસન્સની ચીફ ફાયર ઓફિસરને સત્તા આપો.
દિવાળીના તહેવારમાં ફટાકડાનું ધૂમ વેચાણ થતું હોય છે. સીઝનલ દુકાનો ઉપરાંત નવી દુકાનો અને સ્ટોલ કરીને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. આગ લાગે ત્યારે ફાયર સેફટી અને આગ બુજાવવા માટેના સાધનો યોગ્ય રીતે કામગીરી કરે છે કે કેમ ટેક્નિકલ તમામ બાબતો તપાસવાની જવાબદારી ફાયર વિભાગની હોય છે. જોકે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ફાયરના સાધનોની ચકાસણી કરવાની જવાબદારી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. જેના માટે ફાયર વિભાગ દ્વારા પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તંત્રને ટ્રેનિંગ પણ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
એક્સપ્લોઝિવ એક્ટ મુજબ લાઇસન્સ આપવાની તમામ સત્તા પોલીસ-જિલ્લા મેજિસ્ટ્રેટની
ફટાકડાના લાઇસન્સ આપવા માટેની સત્તા પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટને આપવામાં આવેલી છે જેમાં ફાયર સેફટી અંગે ચકાસણી કરવાની જવાબદારી પણ તેમની છે. જેથી એનઓસી અંગે તમામ ફાયરના ચેક લિસ્ટ તેઓને આપવામાં આવ્યા છે. કેવી રીતે એની ચકાસણી કરવી તેના માટે ફાયર વિભાગ દ્વારા તેઓને તાલીમ આપવામાં આવી રહી છે. આજદીન સુધી ફટાકડાની દુકાનોમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરી અને એનઓસી આપવામાં આવતી હતી. જોકે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ લાઇસન્સ આપવામાં તમામ સત્તા પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટની હોવાથી ફાયર વિભાગ દ્વારા કોઈ ચકાસણી કરવાની રહેતી નથી.
ફટાકડા માટે 500 ચોરસ મીટરથી ઓછી જગ્યામાં જો દુકાન કે સ્ટોલ હોય તો હવે ફાયર વિભાગ દ્વારા નહીં પરંતુ પોલીસ દ્વારા એનઓસી આપવામાં આવશે. દુકાનમાં ફાયર સેફટી માટે કેટલા ફાયર એક્ઝિગ્યુશનના બાટલા રાખવા, રેતીની કેટલી ડોલ રાખવી?, પાણી કેટલું ભરીને રાખવું, ફાયર એક્ઝિટ કઈ બાજુ રાખવું, હોઝરીલ કેટલી હોવી જોઈએ કેવી હોવી જોઈએ વગેરે અંગે હવે ફાયર વિભાગના નહીં પરંતુ પોલીસ વિભાગના અધિકારીઓ આ બધી તપાસ કરી એનઓસી આપશે.
જો ફાયર સેફટી અંગે કોઈપણ નિયમોનું પાલન નહીં કરવામાં આવ્યું હોય અને આગ અથવા અકસ્માતની ઘટના બનશે અને તેમાં ફાયર સેફ્ટી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી રાખી હશે તો પણ ફાયર વિભાગ નહીં પરંતુ પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તંત્ર જવાબદાર રહેશે.
સ્થાનિક પોલીસની કામગીરી શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ગુનાખોરી ન થાય તેનું ધ્યાન રાખવાની હોય છે. પોલીસ ગુનેગારોને પકડવાથી લઈને બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી હોય ત્યારે હવે પોલીસને ફટાકડાની દુકાનોમાં જઈને ફાયરના સાધનો બરાબર લગાવવામાં આવેલા છે. ટેકનિકલ રીતે કામ કરે છે કે નહીં અને તે તપાસવાની જવાબદારી આપવામાં આવતા પોલીસ ઉપર પણ ભારણ વધી ગયું છે.
વહીવટી તંત્રના અધિકારીઓને પણ ફાયરના સાધનોના ટેકનિકલ મુદ્દાઓ તપાસવાની કામગીરી સોંપવામાં આવી છે. પોલીસ અને વહીવટી તંત્ર પાસે ખૂબ કામગીરી હોય છે છતાં પણ આવી ફાયર વિભાગના સાધનો અંગેની ટેકનીકલ માહિતી જે ફાયર વિભાગ પાસે હોય છે તેની કામગીરી ગૃહ વિભાગ દ્વારા સોંપવામાં આવી છે. જોકે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ આ તમામ બાબતો પોલીસ અને વહીવટી તંત્રને જ કરવાની હોવાથી હવે તેઓ દ્વારા આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવશે.
અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર જણાવ્યું હતું કે ફટાકડાને લગતી જે કાર્યવાહી ચીફ ફાયર ઓફિસરે કરવાની હોય છે. તેઓની પાસે યુનિવર્સિટીની સ્પેસિફિક ડિગ્રી સાથેની સત્તા હોય છે જેથી આ સત્તા તેમની પાસે જ હોવી જોઈએ, તેવો પત્ર અમે રાજ્ય સરકારને લખીને મોકલી આપેલો છે. સરકાર દ્વારા હવે આ મામલે નિર્ણય લેવાઈ શકે છે. કારણ કે પોલીસ ટેકનિકલ માણસ નથી જેથી આ સત્તા તેમની પાસે જ હોવી જોઈએ તેવી જાણ કરી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ