ગીર સોમનાથ ૮ ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ ૨૦૨૫’ની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં ઈણાજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા' અને નશામુક્તિ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ પ્રતિજ્ઞા થકી ઉપસ્થિત સર્વ દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહેવાના તેમજ બંધારણીય મૂલ્યોનું જતન કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
આ પ્રતિજ્ઞામાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયા, જિલ્લા કલેક્ટર કચેરી-જિલ્લા પંચાયત કચેરીના ખેતીવાડી, આરોગ્ય, રમતગમત, શિક્ષણ સહિત વિભાગોના તમામ વર્ગ-૦૧ તથા વર્ગ-૦૨ના અધિકારીઓ-કર્મચારીઓ સહભાગી થઇ ભારતના જવાબદાર નાગરિક તરીકે 'રાષ્ટ્ર પ્રથમ'ના 'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને આત્મસાત કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
ભારત વિકાસ પ્રતિજ્ઞા......
હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
હું સ્વ નો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકિસત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.
“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.
'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ