સોમનાથ, 8 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રભાસ પાટણના રામમંદિર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજન થકી 100 થી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફરલેટર, રોજગાર એનાયતપત્ર કરવામાં આવ્યા હતાં.
યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ થકી અનેક યુવાનોએ પોતાની કારકિર્દીનો પ્રથમ ડગ માંડ્યો છે. આ ભરતી મેળાના માધ્યમથી જેમને એસ.બી.આઈ લાઈફમાં ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી પ્રાપ્ત થઈ છે. તેવા મિત્તલ મેણસીભાઈ વાળાએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
સૂત્રાપાડા તાલુકાના સુંદરપરા તાલુકાના વતની મિત્તલબહેને જણાવ્યું હતું કે, રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતીમેળો યોજાયો હતો. આ ભરતીમેળામાં મેં ભાગ લીધો હતો અને રોજગાર માટે નોંધણી કરાવી હતી. એ દરમિયાન મને તક મળી અને મારી પસંદગી એસ.બી.આઈ. લાઈફમાં થઈ હતી.
એક સમયે હું સાવ ઘરમાં બેઠી હતી અને મારી પાસે કોઈ જ કામ નહોતું પરંતુ ભરતી મેળા થકી મને તક મળી હતી. આ નોકરી થકી હું પગભર બની છું અને મારા પરિવારને પણ હવે મદદરૂપ બનીશ. ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત અને સફળ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, જેને ગુજરાત સરકાર જનહિતના કાર્યક્રમો થકી વિકાસ સપ્તાહરૂપે ઉજવણી કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ