જૂનાગઢ 8 ઓક્ટોબર (હિ.સ.)
જૂનાગઢ, સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જેમાં તા.૦૭/૧૦/૨૦૨૫ ના રોજ માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગીર ગામેથી આમંત્રિત મહેમાનો દ્વારા વિકાસ રથને સ્વાગત સાથે નાગરિકોના લાભ અને જાણકારી માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ તકે ખોરાસા ગીર ગામના ખેડૂત અને લાભાર્થી જીવનભાઈ નાનજીભાઈ કગથરાએ પોતાને મળેલા યોજનાકીય લાભ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, મારી પાસે અત્યારે ૯ વીઘા જમીન છે. હું નાનકડો ખેડૂત છું. મારે ખેતીકામમાં મદદ માટે સનેડો વાહન લેવાની આવશ્યકતા હતી. મને ખેતીવાડી વિભાગ અને રાજ્ય સરકારની મદદથી સનેડો લેવા માટે રૂ.૨૫,૦૦૦ ની સહાય પ્રાપ્ત થઇ છે. આ તકે સરકારનો અને જિલ્લા વહીવટી તંત્રનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ ગામના સખી મંડળના પ્રમુખ કંચનબેન ખાનપરાએ જણાવ્યું હતું કે, ખોરાસા ગીર ગામમાં હું વર્ષ ૨૦૦૪ થી સખી મંડળ ચલાવું છું. આજે મારા સખી મંડળમાં અનેક બહેનો જોડાયા છે અને રોજગારીનો લાભ મેળવ્યો છે. તેમજ બેંક મિત્ર તરીકે પણ હું કામ કરું છું અને બહેનોને બેંકમાં ચેક ભરાવવાથી લઈને લોન અપાવવા સુધીની કામગીરી સંભાળું છું. બહેનો ૩ મહિના સુધી બચત કરે ત્યારબાદ તેમને ૩૦,૦૦૦ રૂપિયા જેટલું ફંડ પણ મળવાપાત્ર થાય છે. તેઓ પોતાનું સ્ટાર્ટઅપ પણ શરુ કરી શકે છે. એક વર્ષ સુધી સતત બચત કર્યા બાદ રૂ.૧,૦૦,૦૦૦ જેટલી લોન ૦% ના વ્યાજ સાથે મળવાપાત્ર બને છે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં આજે જૂનાગઢ જિલ્લાની અનેક બહેનો જોડાઈ રહી છે અને વોકલ ફોર લોકલ મુવમેન્ટને પણ તેનાથી પ્રોત્સાહન મળ્યું છે. આ તકે હું રાજ્ય સરકારઅને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું, તેમ જણાવ્યું હતુ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ