પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.) રાધનપુરના મસાલી રોડ પર છેલ્લા 15 વર્ષથી નીચા વીજ વાયરોના કારણે અકસ્માતનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. હાલમાં પૂરની પરિસ્થિતિના કારણે ઘાસચારાની ગાડીઓની અવરજવર વધી છે, જેના કારણે આ જોખમમાં વધુ વધારો થયો છે. આ ગાડીઓમાં ઘાસનો મોટો જથ્થો હોવાના કારણે વાયરોને સ્પર્શ થાય તો શોર્ટસર્કિટ થવાનું અને આગ લાગી શકે છે.
અત્યાર સુધીમાં પણ આ માર્ગ પર નીચા વીજ વાયરોના કારણે અનેક વખત ગાડીઓ સળગવાના બનાવો સામે આવી ચૂક્યા છે. વીજ બોર્ડ દ્વારા માત્ર કામચલાઉ ઉપાયરૂપે મોટર ગાડીઓ પસાર થતી વખતે વાયરો ઊંચા કરવા જેવી કામગીરી કરવામાં આવે છે. લોકોએ વીજ બોર્ડની બેદરકારી માટે કડક ટીકા કરી છે.
સ્થાનિક નાગરિકો અને ખેડૂતો દ્વારા વીજ બોર્ડ પાસે માંગ કરવામાં આવી છે કે તેઓ તાત્કાલિક ધોરણે પગલાં લે અને આ વાયરોને કાયમી રીતે યોગ્ય ઊંચાઈએ સ્થાપિત કરે, જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ