મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.): પોષણ માહની આજની IYCF (Infant and Young Child Feeding) થીમ અંતર્ગત મહેસાણા-3 ઘટકના આંગણવાડી કેન્દ્રોમાં મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રીમાતાઓ અને નાના બાળકોની હાજરીમાં આરોગ્ય અને પોષણ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા નવજાત શિશુના યોગ્ય આહાર પદ્ધતિ અંગે નિદર્શન આપવામાં આવ્યું. માતાઓને બાળકના જન્મ પછીના પ્રથમ છ મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવાની મહત્વતા સમજાવવામાં આવી. સાથે જ, બાળકને પૂરક આહાર ક્યારે અને કેવી રીતે શરૂ કરવો તે અંગે પણ વિગતવાર માર્ગદર્શન અપાયું. મમતા દિવસ દરમિયાન હાથ ધોવાની યોગ્ય રીત વિશે પણ પ્રેક્ટિકલ રીતે સમજણ અપાઈ. હેન્ડ વોશિંગના છ પગલાં દર્શાવીને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું. આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા માતાઓને સ્વચ્છતા, પોષણ અને શિશુ સંભાળના ઉપાયો અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ રીતે પોષણ માહ અંતર્ગત મહેસાણા-3 ઘટકના આંગણવાડી કેન્દ્રોમાં આરોગ્ય જાગૃતિનો સુંદર સંદેશ પ્રસારીત થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR