મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.): અમદાવાદ ઝોન અંતર્ગત યોજાયેલ પોષણ ઉત્સવ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાએ શાનદાર પ્રદર્શન કરીને ત્રણ મુખ્ય સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ઝોનના કુલ 13 જિલ્લાઓમાંથી પસંદ થયેલી ટીમોમાં મહેસાણા જિલ્લાના પ્રતિનિધિઓએ “વાનગી સ્પર્ધા (મિલેટ્સ)” તથા “THR (Take Home Ration)” બંને કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગમાં “PSE કૃતિ — જાંબુડાની મજા” નામની કૃતિએ પણ પ્રથમ સ્થાન મેળવી સૌનું મન જીતી લીધું હતું. બાળકો અને કાર્યકર બહેનો દ્વારા રજૂ કરાયેલ આ કૃતિએ પોષણ, સ્વચ્છતા અને પરંપરાગત ખોરાકના સંદેશ સાથે સૌને પ્રેરણા આપી હતી. આ સ્પર્ધાઓમાં મહેસાણા જિલ્લાના ICDS વિભાગ, આંગણવાડી બહેનો અને અધિકારીઓના સંયુક્ત પ્રયાસો અને તૈયારીનો પ્રતિફળ મળી રહ્યું છે. જિલ્લા અધિકારીઓએ વિજેતાઓને અભિનંદન પાઠવી જણાવ્યું કે આ સિદ્ધિ મહેસાણાના પોષણ અભિયાન અને આરોગ્ય જાગૃતિ ક્ષેત્રે નવી ઉર્જા પૂરશે. મહેસાણા જિલ્લાની આ સિદ્ધિએ સમગ્ર ઝોનમાં ચર્ચા જગાવી છે અને રાજ્ય સ્તરે પણ ઉત્તમ પ્રદર્શન કરવાની આશા વ્યક્ત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR