પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.)દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ એસટી વિભાગ દ્વારા 18 ઓક્ટોબર, વાઘ બારસથી બેસતા વર્ષ સુધી મુસાફરો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ 15 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જેથી લોકો સરળતાથી અને સસ્તા ભાડે તેમના વતન જઈ શકે.
ડેપો મેનેજર વિપુલભાઈ રાવળે જણાવ્યું કે પાટણ-અમદાવાદ, પાટણ-ગોધરા અને પાટણ-દાહોદ રૂટ પર ખાસ કરીને વધુ ટ્રાફિક રહેતો હોવાથી અહીં વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. દાહોદ અને ગોધરા માટે 7થી 8 વધારાની બસો અને અમદાવાદ માટે દૈનિક 5 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
આ એક્સ્ટ્રા બસોમાં મુસાફરોને ખાનગી બસોની સરખામણીએ ખૂબ જ ઓછા ભાડામાં સુવિધા આપવામાં આવશે. ઉપરાંત પાટણ, સિદ્ધપુર, રાધનપુર, ડીસા, હારીજ, ચાણસ્મા અને બહુચરાજી જેવા સ્થાનિક રૂટ પર પણ મુસાફરોની સંખ્યાને અનુલક્ષીને એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ