પાટણ, 8 ઓક્ટોબર (હિ.સ.): પાટણમાં 'માં પરિવાર મનનો વિરામ' દ્વારા ‘અંગદાન એ મહાદાન’ના મહાત્મ્ય સાથે રાધે રાસોત્સવનું આયોજન લેમોનેટ પાર્ટી પ્લોટ, કે.સી. પટેલ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવનો મુખ્ય હેતુ અંગદાન અંગે લોકજાગૃતિ ફેલાવવાનો અને બ્રેઇન ડેડ દર્દીઓના અંગદાનથી અનેક લોકોને નવજીવન આપવાના હેતુને સમર્પિત હતો.
રાસોત્સવ દરમિયાન ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં ‘ઓપરેશન સિંદૂર’ થિમ પર ગરબે ઘૂમ્યા હતા. બરોડાની જાણીતી ગરબા કલાકાર હેમાલી જોશી અને તેમના કલાવૃંદે શ્રોતાઓ માટે મનમોહક સંગીતમય માહોલ રચ્યો હતો. ખેલૈયાઓ અને બાળકોને વિવિધ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી તમામમાં ઉત્સાહની લહેર જોવા મળી.
આ અવસરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ, હુડકોના ડિરેક્ટર તથા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, અમદાવાદ હેલ્પફુલ સ્કૂલની ટ્રસ્ટી અપર્ણાબેન પંચોલી અને સ્ટેજ આર્ટિસ્ટ તથા અભિનેત્રી ઝંખનાબેન પટેલનો સમાવેશ થાય છે. તેમનું ઉપસ્થિત રહેનાર સૌમ્ય સંબોધન અને અંગદાન અંગેની વાતચીત સૌ માટે પ્રેરણારૂપ રહી.
આ ભવ્ય અને સંવેદનાત્મક કાર્યક્રમને સફળ બનાવવા માટે કે.સી. પટેલ, દર્શક ત્રિવેદી, સ્નેહલ પટેલ, ઉત્કર્ષ પટેલ, નિશા સોની, યતીન ગાંધી, જયેશ પટેલ, કિશોર મહેશ્વરી, શાંતિભાઈ સ્વામી, કમલેશભાઈ સ્વામી તથા તેમની ટીમે નિમિષદક્ષ આયોજન કર્યું હતું. ખેલૈયાઓ અને મહેમાનો માટે દૂધ પૌંઆના પ્રસાદનું આયોજન પણ કરાયું હતું, જેના કારણે આ રાસોત્સવ એક યાદગાર અનુભૂતિરૂપ બન્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ