અમદાવાદ,8 ઓકટોબર (હિ.સ.) : હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકે શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં રહેલા તમામ દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતાં. જે વર્ષ 2010 પહેલા રહેનારા તેમજ જેમની પાસે રહેઠાણના પુરાવા આવો હોય તેવા લોકોને મકાન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી.
જોકે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન દ્વારા અરજી મામલે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ દ્વારા ચંડોળાવાસીઓ સાથે મણિનગર દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. બે મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી અને ચંડોળાવાસીઓને મકાન આપવા અંગેની માગ કરી હતી.
દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપતાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે,ચંડોળા ખાતે 50 વર્ષથી વધુ સમયથી રહેતા ભારતીય ગરીબ લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2010ની પોલીસી મુજબ ચંડોળા ખાતે ભારતીય ગરીબ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે EWS આવાસ યોજના હેઠળ આવાસો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મકાનો આપવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને મકાનો તોડ્યાને પાંચ માસથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી તેઓને આવાસ ફાળવવામાં આવ્યા નથી. 2300 જેટલા નાગરિકો દ્વારા અરજી કરવામાં આવી છે પરંતુ હજી આ તમામ અરજીઓનું સમયસર નિકાલ કરવામાં આવ્યો નથી.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ચંડોળા તળાવમાં જે લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તેમને એપ્રિલ મે મહિનાની અંદર આ વિસ્તારથી દૂર કરવામાં આવ્યા હતા. જે લોકો 2010 પહેલા રહેતા હોય અને તેની પાસે તેના પુરાવા હોય એ લોકોને ઇડબલ્યુએસના મકાન આપવા માટે પોલીસી જાહેર કરવામાં આવી હતી.
આ ચંડોળા વિસ્તારના લોકો માટે પણ ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને કેમ્પ રાખીને સતત ફોર્મ ભરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એના માટે મુદ્દત લંબાવવામાં આવી હતી. 15 સપ્ટેમ્બર સુધી પુરાવા રજુ કરવા માટે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું જેમાંથી લગભગ 2300ની આસપાસ ફોર્મ ભરવામાં આવ્યા છે. આ 2300માંથી હજુ પણ 700 જેટલા લોકો એવા છે કે જેણે જવાબ આપ્યા નથી એટલે આ લોકોની પાસે પુરાવા લેવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જેથી કોઈને મકાન લેવામાં બાકી નહીં રહે જાય જેટલા પણ પુરાવા આવશે તેમજ સમય મર્યાદાઓ પૂરી થશે તો એમને મકાન આપવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ