સુરત, 8 ઓક્ટોબર (હિ.સ.): સુરતના ભાજપ કાર્યાલયમાં આજે બે કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટા હાથની મારામારીની ઘટના બની હતી. માહિતી અનુસાર, કાર્યકર્તા દિનેશ સાવલિયા અને પક્ષના ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર વાદવિવાદ થયો હતો, જે બાદ દિનેશ સાવલિયાએ ગુસ્સામાં આવી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે કાર્યાલયમાં અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ હાજર હતા, જેઓ આ અચાનક બનેલી ઘટનાથી હકાબકા થઈ ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, એ જ સમયે શહેર યુવા પ્રમુખ ભાવિન ટોપીવાલા અને અન્ય કેટલાક કાર્યકર્તાઓ વચ્ચે પણ બબાલ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.
હાલ આ ઝઘડો થવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પક્ષના આંતરિક મુદ્દાઓ, હોદ્દાની ખેંચતાણ કે વ્યક્તિગત મનદુઃખને કારણે વિવાદ થયો હોવાની ચર્ચા છે, પરંતુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે