જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું, કોંગ્રેસે ફરી મેયરને આવેદન આપ્યું
જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં રૂ.41 લાખનો ભ્રષ્ટાચાર થયો છે, તેવા કોંગ્રેસના આક્ષેપો બાદ આજે ફરીથી આ પ્રકરણ ચગ્યું છે, અને કોંગ્રેસે આજે હાથમાં રમકડા વગેરે લઈ જઈને આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો, અને
કોંગ્રેસનું આવેદન


જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં રૂ.41 લાખનો ભ્રષ્ટાચાર થયો છે, તેવા કોંગ્રેસના આક્ષેપો બાદ આજે ફરીથી આ પ્રકરણ ચગ્યું છે, અને કોંગ્રેસે આજે હાથમાં રમકડા વગેરે લઈ જઈને આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો, અને મેયરને આવેદનપત્ર આપ્યું છે. નજીકના ભવિષ્યમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જેની પ્રતિક્રિયામાં મેયર દ્વારા જણાવાયું છે, કે આ પ્રકરણમાં ડીએમસી દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. જેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળામાં 41 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, અને મેળાના ધંધાર્થીઓએ અધિકારીઓ સાથે મિલીભગત કરીને મહાનગરપાલિકાની તિજોરીને 41 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવા માટેનો પ્રયાસ થયો હતો, તે સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા અગાઉ છડેચોક જાહેર કરીને મેયરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરાઈ હતી.

જેમાં કમિશનર ડી.એન.મોદી દ્વારા આ સમગ્ર મેળાના ટેન્ડર પ્રક્રિયાની તપાસ ડીએમસીને સોંપાઈ હતી. જામનગર મહાનગરપાલિકાના ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા આ પ્રકરણની હાલ તપાસ ચલાવી રહ્યા છે, દરમિયાન કોંગ્રેસ પાર્ટીને ધ્યાનમાં આવ્યું હતું, કે પાછળથી થર્ડ પાર્ટીના ચેકો લઈને મહાનગરપાલિકાની કચેરીમાં બાકી રોકાતી રકમ જમા કરાવી દેવાઇ છે, અને મોટા અધિકારીઓને બચાવીને નાના કર્મચારીઓ માથે ઠીકરું ફોડવામાં આવી રહ્યાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

આ સંદર્ભમાં આજે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તથા અન્ય કોંગી કોર્પોરેટરો અને કાર્યકરોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો, અને હાથમાં રમકડાં વગેરે લઈને મેયરની કચેરીએ પહોંચ્યા હતા અને વધુ એક આવેદન આપ્યું છે, અને કથિત ભ્રષ્ટાચારના મામલે મોટા માથાને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અને તેઓની સામે કોઈ એક્શન લેવામાં નહીં આવે, તો વિરોધ પક્ષ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે, અને ઘેરાવ સહિતના કાર્યક્રમો અપાશે, તેવી પણ ચીમકી અપાઇ છે.

જેની પ્રતિક્રિયામાં મેયર દ્વારા જણાવાયું છે, કે આ સમગ્ર પ્રકરણની હાલ ડીએમસી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, અને જે તપાસ પૂર્ણ થાય અને અહેવાલ આવે, તે બાદ જે કોઈ દોષિત હશે, તેની સામે જરૂરથી પગલા લેવામાં આવશે, તેવી હૈયા ધારણા આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande