મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણાની ઉમા સંસ્કાર વિદ્યાલયના ધોરણ 9ના વિદ્યાર્થીઓ પ્રજાપતિ અક્ષ નરેશકુમાર અને પટેલ નેત્ર પ્રકાશકુમારે “રીવર ક્લીનર બોટ” નામનો અનોખો સાયન્સ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જે નદીઓમાંથી કચરો દૂર કરવાની નવી તકનીક પર આધારિત છે. માત્ર 450 રૂપિયામાં બનાવાયેલ આ બોટનું મોડેલ નદીના સપાટ પર તરતું રહી કચરો એકત્રિત કરે છે. પીવીસી પાઈપ, બોટલના ઢાંકણા અને નાની મોટરથી બનેલી આ બોટ સ્વીચ ચાલુ કરતાં ચાલવા લાગે છે અને નદીનો કચરો પાછળના બોક્સમાં ભેગો કરે છે.આ પ્રોજેક્ટને સાંદિપની શાળા વિકાસ સંકુલ દ્વારા આયોજિત 23માં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં “કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો” વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું. બંને વિદ્યાર્થીઓને અગાઉ ઇન્સ્પાયર એવોર્ડ હેઠળ ભારત સરકાર તરફથી રૂ. 10,000નું ઇનામ પણ મળ્યું છે. માર્ગદર્શક શિક્ષક મહેશકુમાર પટેલ અને આચાર્ય ભરતકુમાર પંચાલના માર્ગદર્શન હેઠળ બનાવાયેલ આ ઈનોવેશન નાની ઉંમરે મોટો વિચાર રજૂ કરે છે.અક્ષ અને નેત્રનો “રીવર ક્લીનર બોટ” મોડેલ હાલ નાનું છે, પરંતુ તેના મોટા વર્ઝનથી નદીઓની સફાઈ માટે ઉપયોગી સાધન બની શકે છે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને નવીન વિચારશક્તિથી સજ્જ આ બે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં હરિયાળું અને સ્વચ્છ ભારત બનાવવામાં યોગદાન આપી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR