મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.): આવતીકાલનો સૂર્યોદય ઉત્તર ગુજરાતના ઉદ્યોગો માટે નવા અવસરો અને ભાગ્યોદયનો સંદેશ લાવશે. મહેસાણા જિલ્લાના ગણપત યુનિવર્સિટી ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ”નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારની આ વિશેષ પહેલ હેઠળ સ્થાનિક ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ સંસ્થાઓ અને રોકાણકારોને એક જ મંચ પર લાવીને ગ્લોબલ સ્તરે કનેક્ટ કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
આ કોન્ફરન્સમાં ઉદ્યોગજગતના અગ્રણી વ્યક્તિઓ, ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. સ્થાનિક ઉદ્યોગોને રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર અને માર્કેટ એક્સપાન્શન જેવી તક ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બની રહેશે. ગણપત યુનિવર્સિટીનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્તમ ટેકનોલોજીકલ સુવિધાઓ આ રિજનલ કોન્ફરન્સ માટે યોગ્ય મંચ પુરો પાડશે. કાર્યક્રમ દરમિયાન ઈનોવેશન, ઉદ્યોગ વિકાસ, મેક ઈન ગુજરાત અને યુવા ઉદ્યમિતા જેવા વિષયો પર વિશેષ સત્રો યોજાશે. સ્થાનિક ઉદ્યોગકારોમાં આ કાર્યક્રમ અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ઉદ્યોગોને રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવતી આ પહેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત 2025’ની દિશામાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR