અમરેલી,8 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી શહેરની બે લાખથી વધુ જનતાને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી હાલ ગંભીર પડકારરૂપ બની છે. શહેર માટે સ્થાનિક સ્તરે પાણીના સોર્સ અતિ ન્યૂન હોવાને કારણે અમરેલી મહી પરિયોજનાના પાણી પર સંપૂર્ણ રીતે નિર્ભર છે. હાલ નાવડા કેનાલ સંપની સફાઈ કામગીરી શરૂ થતા આજથી અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પાણી પુરવઠો ત્રણ દિવસ સુધી ખોરવાઈ રહ્યો છે. આ કારણે ભર ચોમાસાની વચ્ચે જ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણીની પારાયણ જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમરેલી નગરપાલિકા દ્વારા વર્ષો થી સ્થાનિક પાણીના સોર્સ ઊભા કરવા કોઈ મોટું પગલું ભરાયું નથી. શહેર પાસે પીવાના પાણી માટે માત્ર બે મુખ્ય સ્ત્રોત — ઠેબી ડેમ અને વરુડી ડેમ છે. પરંતુ આ બે સોર્સથી મળતું પાણી શહેરની બે લાખની વસતી માટે પૂરતું નથી. પરિણામે દર વર્ષે અને ખાસ કરીને ઉનાળો કે રિપેરિંગ સમય દરમિયાન મહી પરિયોજના પર જ સંપૂર્ણ આધાર રાખવો પડે છે.
નાવડા કેનાલની સફાઈ પ્રક્રિયા અત્યંત જરૂરી હોવા છતાં, તેનું સમયસર આયોજન ન થવાને કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા વૈકલ્પિક આયોજન ન કરાતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં નાગરિકોએ પાણી માટે ટાંકરાની માંગ કરી છે, તો કેટલાક વિસ્તારોમાં લોકોને પાણી સંગ્રહ કરીને જરૂરિયાત પૂરી કરવાની ફરજ પડી છે.
વિસ્તારજનોની માંગ છે કે નગરપાલિકા શહેર માટે સ્થાયી પાણી સોર્સ ઉભા કરે, જેથી ભવિષ્યમાં આવા સંજોગોમાં નાગરિકોને મુશ્કેલી ન પડે. હાલ તો ત્રણ દિવસની પાણી વિતરણ ખલેલથી સમગ્ર અમરેલીમાં પાણીની તંગીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai