અમરેલી,8 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓ-બહેનો તેમજ જેલ સ્ટાફ માટે યોગની તાલીમનો પ્રારંભ થયો છે. આ તાલીમ ગાંધી જયંતિના પાવન અવસરે એટલે કે 2 ઑક્ટોબરથી શરૂ થઈ છે અને 31 ઑક્ટોબર સુધી સતત એક મહિના સુધી ચાલુ રહેશે. આ તાલીમનો હેતુ બંદીવાન તેમજ જેલ સ્ટાફના શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે.
ગત વર્ષે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક અને વહીવટ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યની તમામ જેલોમાં યોગ તાલીમ યોજાઈ હતી. આ તાલીમથી મળેલા હકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ તાલીમ કાર્યક્રમને વધુ વ્યાપક સ્વરૂપે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાછલા વર્ષની તાલીમ બાદ અનેક બંદીવાનોએ મનની શાંતિ, આત્મનિયમ અને જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસ્યો હોવાનું જણાયું હતું. આ સફળતા જોઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું અને તમામ જિલ્લાની જેલોમાં યોગ અભ્યાસને સતત ચાલુ રાખવા સૂચના આપી હતી.
અમરેલી જિલ્લા જેલમાં શરૂ થયેલી આ તાલીમમાં અનુભવી યોગ શિક્ષકો દ્વારા રોજિંદા યોગાસન, પ્રાણાયામ, ધ્યાન તથા આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવે છે. જેલ અધિકારીઓના જણાવ્યા મુજબ, યોગ દ્વારા બંદીવાનના વર્તન, વિચારધારા અને આત્મવિશ્વાસમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે.
યોગ તાલીમથી જેલનું વાતાવરણ વધુ શાંત અને સકારાત્મક બન્યું છે. બંદીવાન ભાઈઓ-બહેનો પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ અભિયાન દ્વારા “સજામાં સુધાર અને જીવનમાં નવો આરંભ”નું સંદેશ અમરેલી જેલમાં જીવંત બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai