જામનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો, યુવાઓને રોજગાર નિમણૂક પત્ર એનાયત કરાયા
જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને શહેરના ટાઉનહોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં બહોળી સં
યુવા રોજગાર સમારંભ


જામનગર, 8 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને શહેરના ટાઉનહોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં બહોળી સંખ્યામાં યુવાનોને રોજગાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

​પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ આ પ્રસંગે યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમામ ક્ષેત્રોના વિકાસ માટે નક્કર આયોજન કર્યું હતું. તેમના કાર્યકાળની ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે યુવાઓને રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાનો આ સુંદર કાર્યક્રમ હાથ ધરાયો છે. મંત્રી મુળુભાઈ બેરાએ રોજગારી મેળવનાર યુવાનોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તેઓ માત્ર નોકરી મેળવનાર નહીં, પરંતુ ભવિષ્યમાં અન્યોને રોજગારી આપતા સક્ષમ ઉદ્યોગસાહસિક બને. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારનો રોજગાર વિભાગ ઔદ્યોગિક એકમો પાસે જઈને સર્વે કરી કુશળ કારીગરોને રોજગાર મળે તે માટે સક્રિયપણે મહેનત કરે છે.

રોજગાર મેળા થકી સરકાર યુવાઓને રોજગારી આપવામાં નિમિત્ત બની રહી છે. વિશેષરૂપે, સરકારે આઈ.ટી.આઈ. માં ખૂબ મોટી ભરતીઓ શરૂ કરી, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું અને સાધનો વસાવી તેને આધુનિક બનાવ્યા. જેના પરિણામે આજે ITI માં મોટી સંખ્યામાં એડમિશન આવે છે અને કુશળતા મેળવી યુવાઓ સરળતાથી રોજગારી મેળવતા થયા છે. ​વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની દ્રષ્ટિની સરાહના કરતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, તેમના નેતૃત્વ હેઠળ દરિયાકાંઠાના તાલુકાઓ, આદિવાસી વિસ્તાર, શહેરી અને ગ્રામીણ વિસ્તાર માટે વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ થકી સમગ્ર ગુજરાતનો સંતુલિત વિકાસ થયો. વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ઔદ્યોગિક મૂડી રોકાણ થઈ રહ્યું છે અને દરેક જિલ્લામાં નવા ઉદ્યોગો વિકસી રહ્યા છે, જેના થકી આજે રાજ્યના લાખો લોકોને રોજગારી મળી રહી છે. પ્રવાસન અને કૃષિ જેવા ક્ષેત્રોના વિકાસે પણ સ્થાનિક રોજગારીનું મહત્ત્વનું માધ્યમ પૂરું પાડ્યું છે.

​આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે યુવાઓને રોજગાર નિમણૂક પત્ર તેમજ ITI ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સનું વિતરણ કરાયું હતું. સાથે જ, ITI ના અપગ્રેડેશન માટે ઔદ્યોગિક એકમો સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપાએ શાબ્દિક સ્વાગત વડે સૌને આવકાર્યા હતા, જ્યારે કાર્યક્રમની આભારવિધિ ITI ના આચાર્ય શ્રી જે.આર.શાહે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીદેવ ગઢવીએ સફળતાપૂર્વક કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande